ગાંધીધામ, તા. 8 : જિલ્લામાં સાયબર માફિયાઓ બેન્ક
ખાતામાં રહેલા પૈસા હડપ કરી જવા માટે વિવિધ તરકીબો અપનાવતા હોય છે. આ પ્રકારે લોકોને
ફસાવીને લાખો રૂપિયાની છેતરપિંડી કરાતી હોવાના અનેક બનાવો બન્યા છે, ત્યારે ભુજના નાટય કલાકાર સાથે લાખોની કિંમતની
છેતરપિંડીનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો
મુજબ આ મામલે ડ્રામા આર્ટીસ્ટ સુરેશભાઈ લાલજીભાઈ બીજલાણીએ 95461 26985, 80353 03048, 62953 17858 નંબરના ત્રણ મોબાઈલ નંબરધારકો સામે ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ
ગત તા. 29 જુલાઈથી તા. 5 ઓગષ્ટ સુધીના ગાળામાં છેતરપિંડીના આ બનાવને
અંજામ આપ્યો હતો. મોબાઈલ નંબરધારક આરોપીઓએ ફરિયાદીને આસિસ્ટન્ટ મેનેજર તરીકેની ઓળખ
આપી વિશ્વાસમાં લીધા હતા. એસબીઆઈની મોબાઈલ બેન્કિંગ એપ્લીકેશન ડાઉનલોડ કરાવવાનાં બહાને
આરોપીઓએ ફરિયાદી પાસેથી બેન્ક ખાતાની પર્સનલ વિગતો મેળવી હતી, જેના આધારે આરોપીઓએ ખાતામાંથી 3.45 લાખની રોકડ રકમ સેરવી લીધી હતી. વધુ એક સાયબર ક્રાઈમનો ગુનો બનતા ચકચાર પ્રસરી છે. પોલીસે
ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.