રાપર, તા. 8 : વાગડમાં પીડા દૂર કરવાની વિધિના
બહાને ઘરમાં પ્રવેશી દાગીના પડાવતી ગેંગનો રાપર તાલુકામાં પર્દાફાશ થયો છે. આ મામલે
મોડી રાત્રે કાયદેસરની કાર્યવાહી ચાલુ હોવાનું જાણવા મળે છે. આ અંગે મળતી પ્રાથમિક
વિગતો મુજબ તાલુકામાં કલ્યાણપર ગામે રબારી પરિવારને ઠગ ત્રિપુટીએ નિશાન બનાવ્યો હતો.
આ શખ્સોએ ખભાનો દુ:ખાવો દૂર કરવાની વિધિનાં નામે માટીની કુલડીમાં દાગીના મુકાવ્યા હતા.
આંખ બંધ કરી પ્રાર્થના કરવાનું ઠગબાજોએ કહ્યું હતું. આ દરમિયાન કુલડી બદલી દાગીના લઈ
જવાનો પ્રયાસ કર્યો હતો. ઘરના નાના દીકરાએ કુલડી બદલાતી જોઈ લેતાં સમગ્ર મામલો પ્રકાશમાં
આવ્યો હતો. આ ઘટના રબારી સમાજના યુવાનોએ સોશિયલ
મીડિયા મારફત વહેતી કરી હતી તેમજ પોલીસને જાણ
કરાઈ હતી. શરૂઆતમાં કલ્યાણપર ગામમાં ત્યારબાદ આડેસર હાઇ-વે માર્ગ પર નાકાબંદી કરાઈ
હતી. રાપર પી.આઈ. આર.એલ. ખટાણા અને પોલીસની ટીમે મોબાઈલ લોકેશન તથા સીસીટીવીના આધારે
ગરામડી નજીક ગાડી રોકી ત્રણ શખ્સને ઝડપી પાડયા હતા. આ લખાય છે ત્યારે રાત્રિના 12:30 વાગ્યાના અરસામાં પોલીસ ફરિયાદ
નોંધવા સહિતની તજવીજ હાથ ધરાઈ છે. રાપર તાલુકામાં અન્ય પરિવારો સાથે પણ આવી ઠગાઈ થઈ
હોવાની આશંકા સાથે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.