• રવિવાર, 16 જૂન, 2024

આદિપુરમાં છરીના ઘા ઝીંકી પત્નીની કરપીણ હત્યા

ગાંધીધામ, તા. 10 : આદિપુરમાં બેવાળી, લેબર વિસ્તારમાં રૂપિયાની માગણી મુદ્દે તથા પોતાની પત્નીના આડા સંબંધ અંગે શંકા-વહેમ રાખી ભાવનાબેન (.. 23) ઉપર છરી વડે આડેધડ હુમલો કરી તેના પતિએ તેને પતાવી નાખી હતી. પતિના હાથે પત્નીની હત્યાના બનાથી ભારે ચકચાર પ્રસરી હતી. આદિપુરમાં બેવાળી, લેબર કેમ્પ વિસ્તારમાં આવેલા રૂમ નંબર 18માં આજે સવારે હત્યાનો બનાવ બન્યો હતો. અંજારમાં રહેતા ફરિયાદી વેલજી કાયા વાણિયા (વાલ્મીકિ)ના ત્રણ સંતાનો પૈકી બે મોટા પુત્ર અને સૌથી નાની દીકરી ભાવનાબેન હતા. યુવતીએ ગત ઓકટોબર 2021માં આદિપુર રહેતા હરેશ દાના મહેશ્વરી સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. આરોપી હરેશની આર્થિક પરિસ્થિતિ બરાબર હોઇ અને કામધંધો કરતો હોવાથી દીકરીનો ઘરસંસાર બરાબર ચાલે અને જમાઇ બરાબર ધંધો કરી શકે તે હેતુથી ફરિયાદીએ દોઢેક વર્ષ પહેલાં જમાઇને રિક્ષા લેવડાવી આપી હતી અને મહિનાના રૂા. 6000 ભાડું ફરિયાદીને આપવાનું નક્કી થયું હતું, પરંતુ દોઢ વર્ષમાં 90,000 થયા છતાં આરોપીએ ફરિયાદીને પૈસા આપ્યા નહોતા, જેથી ફરિયાદીએ પોતાની દીકરીના ઘરે જઇ જમાઇ પાસે બાકી નીકળતા પૈસાની માંગ વારંવાર કરી હતી. જ્યારે આરોપી રૂપિયા થશે તો આપી દેવાની વાત કરતો હતો. દરમ્યાન ગત તા. 9/6ના સાંજના ફરિયાદી પોતાની દીકરીના ઘરે જમાઇ પાસે પૈસાની વાત કરી હતી ત્યારે આરોપી ઉશ્કેરાઇ ગયો હતો. ફરિયાદી ત્યાંથી નીકળતાં તેમની દીકરી ભાવના તેમની પાસે જઇ રૂપિયાની માગણી કરવા આવો છો તે મારા પતિને ગમતું નથી, જે અંગે તે મારી સાથે વારંવાર ઝઘડો કરે છે અને જાનથી મારી નાખવાની ધમકી આપી આડા સંબંધ અંગે શંકા-કુશંકા કરી મને વારંવાર પરેશાન કરે છે તેવું જણાવ્યું હતું. બાદમાં આજે સવારે ફરિયાદી પોતાની દુકાને હતા ત્યારે તેમની દીકરીની હત્યા કરી નાખી હોવાનો ફોન આવ્યો હતો. આરોપી એવા પતિએ ઉશ્કેરાઇ જઇને પોતાની પત્ની ઉપર છરી વડે આડેધડ હુમલો કર્યો હતો જેમાં યુવતીને ગળા, હાથ, પેટ, પીઠ, માથાંમાં ગંભીર ઇજાઓ પહોંચતાં તેનું મોત થયું હતું. હત્યાના બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang