ગાંધીધામ, તા. 22 : અંજારના સંઘડ નજીક જોગણીનાર
સોલ્ટ મીઠાંના પાળા નજીકથી અઢી વર્ષ પહેલાં રૂા. 5,09,00,000નું હેરોઇન મળ્યું હતું, જે અંગે ગાંધીનગરથી પૃથક્કરણ અભિપ્રાય પણ વર્ષ 2023માં આવી ગયું હતું, ત્યારે બનાવ અંગે અજાણ્યા શખ્સો સામે આજે પોલીસ
મથકે ફરિયાદ નોંધાઇ હતી. અંજાર ગુપ્તચર સંસ્થાના એક કર્મચારીએ કંડલા પોલીસ મથકે ફોન
કરી દેવજી ભીમજીના મંડળીના મીઠાંના પ્લોટ પાસે સાગર પાળાની બાજુએ દરિયા કિનારે શંકાસ્પદ
પદાર્થ ભરેલ એક પેકેટ પડયું હોવાની જાણ કરી હતી, જેના આધારે કંડલાના
તત્કાલીન પી.આઇ. એચ.કે. હુંબલ અને સ્ટાફ ત્યાં દોડી ગયો હતો. બનાવવાળી જગ્યાએ પોલીસ
પહોંચતાં ત્યાં એક પેકેટ મળી આવ્યું હતું. જે અંગે એફ.એસ.એલ. અધિકારીને બોલાવી પ્રાથમિક
પૃથક્કરણ કરાતાં આ માદક પદાર્થ હેરોઇન હોવાનું બહાર આવ્યું હતું. જે-તે સમયે રૂા. 5,09,00,000નું એક કિલો 18 ગ્રામ હેરોઇન જપ્ત કરાયું હતું.
બાદમાં તેનું પૃથક્કરણ કરવા ગાંધીનગર ડી.એસ.એસ.માં મોકલવામાં આવ્યું હતું. ત્યાંથી
તા. 5-10-2023ના અભિપ્રાય આવી ગયો હતો. અઢી
વર્ષ બાદ હેરોઇનના આ પ્રકરણમાં પોલીસ ફરિયાદ નોંધવાનું ભૂલી ગઇ હોય તેમ આ બનાવ અંગે
આજે અજાણ્યા શખ્સો સામે ગુનો દર્જ કરવામાં આવ્યો હતો. અગાઉ મીઠીરોહરમાં 829 કરોડનું હેરોઇન તથા ખારીરોહરમાં
નજીકથી મળેલા કરોડોના હેરોઇન પ્રકરણમાં પણ હજુ પોલીસને કોઇ જ સઘડ મળ્યા નથી. આવા પ્રકરણોમાં
સમ ખાવા પૂરતા એકેય આરોપી ઝડપાયા નથી.