ભુજ, તા. 22 : મુંદરા તાલુકાના છસરા પુલિયા નીચે નદીનાં પાણીમાં ગામનો 30 વર્ષીય યુવાન સુનીલ રાધુભાઇ
ચાવડા (આહીર) અને અબડાસાના જખૌ બંદરના દરિયામાં ગીર સોમનાથ બાજુનો 33 વર્ષીય માછીમાર રમેશભાઇ રામજીભાઇ
બારિયા પાણીમાં ગરક થતાં બન્ને મૃત્યુ પામ્યા હતા. બીજી તરફ ગઇકાલે માનકૂવામાં 42 વર્ષીય યુવાન મંશીલાલ કાલુજી
સૂર્યવંશીએ ગળેફાંસો ખાઇ મોતને વહાલું કરી લીધું હતું. છસરામાં રહેતો યુવાન સુનીલ 20 તારીખની રાતના ઘરેથી નીકળી
ગયા બાદ બીજા દિવસે સાંજે 7-30 વાગ્યે ગામના
પુલિયા નીચે નદીનાં પાણીમાં ડૂબી જવાથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ અંગે પ્રાગપર
પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. બીજી તરફ ગત તા. 14-2ના રાત્રે જખૌ બંદરના દરિયાઇ
વિસ્તારમાં માછીમારી દરમ્યાન માછીમાર એવા રમેશભાઇ (રહે. રાતડ, તા. ઉના, જિલ્લો ગીર સોમનાથ)
દરિયાનાં પાણીમાં ડૂબી જતાં તેનું મૃત્યુ થયાની વિગતો ગઇકાલે જખૌ મરીન પોલીસ મથકે જાહેર
કરાતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે. માનકૂવાના જૂનાવાસમાં
રહેતા મંશીલાલ સૂર્યવંશી ગઇકાલે રાત્રે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ
લીધો હતો. આથી સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ અવાતાં ફરજ પરના તબીબે
મૃત ઘોષિત કર્યા હતા. માનકૂવા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી હતી.