• ગુરુવાર, 25 જૂન, 2026

ભુજના રૂકશાના હત્યા કેસમાં આરોપીઓ નિર્દોષ

ભુજ, તા. 24 : સાતેક વર્ષ પૂર્વે સમગ્ર કચ્છ ઉપરાંત મુસ્લિમ સમુદાયમાં ભારે ચર્ચાસ્પદ એવા મર્ડર મિસ્ટ્રી ફિલ્મ જેવા બનેલા અત્રેના રૂકશાના ઈસ્માઈલ માંજોઠીની હત્યાના કેસમાં તમામ આઠ આરોપીઓ નિર્દોષ જાહેર કરાયા છે. ભુજની અધિક સેશન્સ કોર્ટમાં ચાલેલા આ ચર્ચાસ્પદ હત્યા કેસમાં ફરિયાદ પક્ષ દ્વારા 43 સાહેદો અને 97 જેટલા દસ્તાવેજી આધારો રજૂ કરવામાં આવ્યા તેમજ બચાવ પક્ષ દ્વારા એક સાહેદને તપાસવામાં આવ્યો અને ત્રણ દસ્તાવેજી આધારો રજૂ થયા હતા. ફરિયાદ પક્ષ પોતાનો કેસ શંકારહિત સાબિત કરવામાં સફળ ન રેહતાં અને બન્ને પક્ષોની દલીલ ધ્યાને લઈ કોર્ટે આ કેસના આરોપી ઈસ્માઈલ ઉર્ફે માલો હુસેન માંજોઠી, જાવેદ જુસબ માંજોઠીસાજિદ દાઉદભાઈ ખલીફા, મામદ ઓસમાણ કુંભાર, અલ્તાફ અબ્દુલ માંજોઠી, સબીર હુસેન જુસબ માંજોઠી, સાહેમા સાજિદ દાઉદ ખલીફા અને અનવર ઉર્ફે અનુભા ફકીરમામદ લાખાને નિર્દોષ ઠેરવી છોડી મૂકવાનો હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં આરોપીઓના એડવોકેટ તરીકે એચ.સી. ચૌધરી, એમ. એ. ખોજા અને હિતેન્દ્રસિંહ બી. વાઘેલા હાજર રહ્યા હતા. - કચ્છનો `દૃશ્યમ' ફિલ્મ જેવો ચર્ચાસ્પદ કેસ : આ ચકચારી હત્યા કેસમાં ફરિયાદમાં નોંધાવેલી વિગતો મુજબ પતિ ઈસ્માઈલે બીજાં લગ્ન કરી લેતાં પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ થતાં જેથી આડખીલીરૂપ રૂકશાનાનો કાયમ માટે કાંટો કાઢી નાખવા ષડયંત્ર રચી તેના નિકાલનું કામ પોતાના માસીના દીકરા જાવેદને સોપ્યું હતું. જાવેદે રૂકશાનાને છરી મારી હત્યા નીપજાવી હતી. આરોપી સબીર અને અલ્તાફની મદદથી આઈશા પાર્કમાં લાશ દાટી દીધી  હતી. રૂકશાનાનો ફોન જાવેદે તેના મિત્ર સાજિદને આપી અમદાવાદ મુકાવી દીધો હતો. આ બાદ સાજિદ અને તેની પત્ની સાહેમા અજમેર જઈ હોટેલમાં રૂકશાનાનું ખોટું આઈ.ડી. કાર્ડ આપી રૂમ ભાડે રાખી રૂકશાના હયાત છે તે પ્રસ્થાપિત કરવા અજમેરથી રૂકશાનાના ભાઈને પોતે નાસી ગઈ હોવાનો ફોન કર્યો હતો, પરંતુ ભાઈને રૂકશાના જેવો અવાજ લાગ્યો ન હતો. દરમ્યાન ઈસ્માઈલને બીક લાગતાં સહઆરોપી ઓસમાણની મદદથી રૂકશાનાની લાશ આઈશા પાર્કમાંથી કાઢી પોતાનું કોન્ટ્રાક્ટર અર્થે કામ ચાલતું હતું ત્યાં ત્રિમંદિર પાછળ, સિમંધર સિટીના નવા બાંધકામના પૂર-માટી પ્લીન્થમાં નાખી ઉપર સિમેન્ટ કોંક્રિટ કરી દીધું હતું. આ બાદ ત્યાં ખોદકામ કરી પોલીસે રૂકશાનાના અસ્થિઓ કાઢી ફોરેન્સિક લેબમાં મોકલ્યા હતા.  આમ આ આખો કેસ મર્ડર મિસ્ટ્રી ફિલ્મ `દૃશ્યમ' જેવો રહેતાં ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. 

Panchang

dd