• ગુરુવાર, 25 જૂન, 2026

મુંદરામાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમભાઈના જન્મદિવસે યોજાયો નિ:શુલ્ક મેગા આરોગ્ય કેમ્પ

મુંદરા, તા. 24 : મુંદરા ખાતે અદાણી ફાઉન્ડેશન અને કચ્છ કોપર લિ.ના સીઈઆરના સહયોગથી અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમભાઈ અદાણીના જન્મદિવસ નિમિત્તે નિ:શુલ્ક મેગા જનરલ સર્જરી નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. જેનો 300થી વધુ લોકોએ લાભ લીધો હતો, જેમાંથી આશરે 140 દર્દીઓને વધુ નિદાન અને વિશેષ સર્જરી માટે રેફર કરવામાં આવ્યા હતા. મુંદરા સરકારી દવાખાનામાં યોજાયેલા કેમ્પમાં નિષ્ણાત સર્જનો અને તબીબોની ટીમ દ્વારા દર્દીઓની આરોગ્ય તપાસ, નિદાન, પરામર્શ અને જરૂરી સર્જરી માટેનું માર્ગદર્શન અપાયું હતું. કાર્યક્રમ દરમિયાન ડો. ત્રિયાંક શુક્લાએ કેમ્પના ઉદ્દેશ્યો અને તેની સામાજિક અસર અંગે માહિતી આપી હતી. ડો. મંથન ફફલે મુંદરા સામુદાયિક આરોગ્ય કેન્દ્રની કામગીરી તથા અદાણી ફાઉન્ડેશનના સહયોગથી થયેલા વિકાસ કાર્યો અંગે માહિતી આપી હતી.  અદાણી ફાઉન્ડેશન દ્વારા મુંદરા સી.એચ.સી.ના સર્વાંગી વિકાસ માટે ઘણા પગલાં લેવામાં આવ્યાં છે, જેમાં વૃક્ષારોપણ, પેવર બ્લોક્સ, બાઉન્ડરી વોલનું નવીનીકરણ, પાર્કિંગ શેડ અને આર.ઓ. પ્લાન્ટ રૂમ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. તબીબી સેવા સશક્ત બનવા માટે પેશન્ટ એક્ઝામિનેશન ટેબલલાઈટ, વ્હીલચેર, સ્ટ્રેચર, લેબર ટેબલ, ડિલિવરી બેડ, સેમિ-ફોલર બેડ, ઇમર્જન્સી ટ્રોલી અને આઇવી સ્ટેન્ડ જેવા સાધનો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. કાર્યક્રમમાં અદાણી પોર્ટસ એન્ડ સેઝના એક્ઝિ. ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહે કહ્યું કે, અદાણી ગ્રુપ સમાજના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને આરોગ્ય ક્ષેત્રે કરવામાં આવતી સેવાઓ આ પ્રતિબદ્ધતાનું પ્રતાબિંબ છે. આ મેગા સર્જિકલ કેમ્પ પણ એ જ સેવાનું પ્રતીક બની રહ્યો છે. આ પ્રસંગે મુંદરા નગરપાલિકાના પ્રમુખ ભોજરાજ ગઢવી, કારોબારી ચેરમેન ધર્મેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ નગરપતિ રચનાબેન જોષી, શહેર ભાજપ પ્રમુખ અરાવિંદ પટેલ, ઉપપ્રમુખ આશાબેન સોરઠિયા, સી.ડી.એચ.ઓ. ડો. ભંડેરી સહિત અનેક અગ્રણીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd