ભુજ, તા. 24 : માધાપરના રેલવે પાટા પાસે ગઈકાલે
બપોરે ઘાયલ અવસ્થામાં મળેલા 25 વર્ષીય અજાણ્યા
યુવાનનું આજે સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. બીજીતરફ ભુજમાં 27 વર્ષીય યુવાન ગિરિરાજ કેશવસિંઘે
અને મુંદરાના બારોઈમાં 40 વર્ષીય યુવાન
કિશોરભાઈ માલશીભાઈ ફફલે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાના બનાવ સામે આવ્યા છે. માધાપરના
રેલવે પાટા બાજુથી ગઈકાલે બપોરે 3.30 વાગ્યાના
અરસામાં ગંભીર રીતે ઘાયલ એવો અંદાજે 25 વર્ષીય યુવાન મળતાં તેને પ્રથમ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ
હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ સ્થિતિ
ગંભીર થતાં તેને વધુ સારવાર અર્થે અમદાવાદ અસરવા ખાતે લઈ જવાયો હતો. આમ છતાં સારવાર
કારગત ન નીવડતાં આજે સવારે હોસ્પિટલના બિછાને તેણે અંતિમ શ્વાસ લીધા હતા. માધાપર પોલીસે
અકસ્માત મોતનો ગુનો દાખલ કરી અજાણ્યા યુવાનની ઓળખ જાણવા છાનબીન કરી છે. તપાસકર્તાને
પૂછતાં યુવાન સંભવત ટ્રેનમાંથી પડવા કે પાટા તળે આવી જવાથી ગંભીર રીતે ઘાયલ થયાની સંભાવના
તેના ઈજાના નિશાન જોતાં પ્રાથમિક રીતે સામે આવી છે. હાલ તપાસ ચાલુમાં હોવાનું જણાવ્યું
હતું. બીજીતરફ ભુજના મુંદરા રોડ પર શનિ મંદિર આગળ રહેતો યુવાન ગિરિરાજ કેશવસિંઘે આજે
બપોરે 2.50 વાગ્યાના અરસામાં પોતાના ઘરે
અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાની વિગતો ભુજના એ-ડિવિઝન પોલીસ મથકે જાહેર
થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો. આ ઉપરાંત મુંદરાના બારોઈમાં મતિયા
કોલોનીમાં રહેતા કિશોરભાઈ ફફલે આજે બપોરે કોઈ અકળ કારણે રસ્સી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા
કરી લીધાની વિગતો મૃતકના ભાઈ રમેશભાઈએ મુંદરા પોલીસ મથકે જાહેર કરતાં પોલીસે અકસ્માત
મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે.