• ગુરુવાર, 25 જૂન, 2026

ફતેહગઢ કેનાલમાં બે યુવાનો ડૂબ્યા : એકનું મોત

ગાંધીધામ, તા. 24 : રાપર તાલુકાના ફતેહગઢ નજીક નર્મદા કેનાલમાં નાહવા પડયા બાદ બે યુવાનો ડૂબવા લાગ્યા હતા. બંનેને બહાર કાઢ્યા બાદ પરબત કોળી નામના યુવાનનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતું. બીજી બાજુ સામખિયાળીમાં તળાવમાં નાહવા ગયેલા અનિલ બચુ દેવીપૂજક (ઉ.વ. 35) નામના યુવાને જીવ ખોયો હતો. ભચાઉ પાલિકાના અગ્નિશમન દળને આજે સવારે કોલ આવ્યો હતો અને ફતેહગઢ નજીક કેનાલમાં નાહવા પડેલા બે યુવાનો ડૂબી ગયા હોવાનું જણાવાયું હતું, જેનાં પગલે આ ટીમ ત્યાં જવા રવાના થઇ હતી. આ ટીમ રાપર પહોંચી હતી તેવામાં બંને યુવાનોને બહાર કાઢી લેવાયા હોવાનું સામે આવ્યું હતું જેના પગલે આ ટીમ પરત થવા પાછી વળી હતી. ફતેહગઢ કેનાલમાં ગરકાવ થયા બાદ બંનેને બહાર કાઢવામાં આવ્યા હતા, જે પૈકી એક યુવાનનું મોત થયું હોવાનું સ્થાનિક સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. આ અંગે રાપર પોલીસ મથકનો સંપર્ક કરતાં આવો કોઇ બનાવ પોલીસ ચોપડે ન ચડયો હોવાનું પોલીસે જણાવ્યું હતું. ભચાઉ અગ્નિશમન દળની ટીમ રાપરથી વળવાની હતી તેવામાં સામખિયાળીમાં તળાવમાં યુવાન ડૂબી ગયો હોવાનો કોલ આવ્યો હતો. અહીં રહેનાર અનિલ નામનો યુવાન ઘરેથી કપડાં લઇને ધર્મશાળા પાછળ તળાવમાં નાહવા નીકળ્યો હતો. દરમ્યાન તળાવમાં પડયા બાદ તે  ડૂબવા લાગ્યો હતો. અગ્નિશમન દળની ટીમે આ યુવાનની લાશ બહાર કાઢી હતી. આ કાર્યવાહીમાં ટીમના પ્રવીણ દાફડા, કુલદીપભાઇ, શક્તિસિંહ વગેરે જોડાયા હતા. 

Panchang

dd