નખત્રાણા, તા. 18 : બેંક ખાતેદારો - ધારકોને બેંકિંગ
સેવાને લગતી સમસ્યાઓ અંગે તથા સિનિયર સિટીઝન માટેના નિયમ પાલન અંગે રજૂઆતો કરાઈ હતી.
સત્વરે સમસ્યા નિવારવા તંત્ર દ્વારા પગલાં લેવાય તેવી માંગ કરાઈ હતી. વર્તમાન સમયમાં
નાણાકીય વ્યવહાર માટે બેંકની સુવિધા વધી છે, પરંતુ રાષ્ટ્રીયકૃત બેંક, કો.ઓ. ખાનગી કે સહકારી બેંકો
દ્વારા લોકોને મળવાપાત્ર લાભ ન મળતા રોષની લાગણી વ્યક્ત કરાઈ હતી. સિનિયર સિટીઝન માટે
રિઝર્વ બેંક દ્વારા જાહેર કરાયેલાં સૂચનો મુજબની વ્યવસ્થા કરવા માંગ કરાઈ હતી. નખત્રાણાની
બેંક ઓફ બરોડામાં દેના બેંક સમાવિત કરાતાં બંને બેંકના ગ્રાહકોની લેવડ-દેવડ મોટા પ્રમાણમાં
રહે છે. સિનિયર સિટીઝન માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાથી પડતી મુશ્કેલી અંગે ફરિયાદ કરાઈ
હતી. ઘણી વખત કામ થયા વગર પાછું જવું પડતું હોવાથી બેંક દ્વારા ઉકેલ હેતુ પગલાં લેવાય
તેવું જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું. રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી
કે કો- ઓપરેટિવ બેંકો દ્વારા બેંકધારકોને આવશ્યક
સેવાઓના અભાવ અંગે વેપારી સંસ્થા દ્વારા અનેક વખત જવાબદાર અધિકારીઓ સમક્ષ રજૂઆત કરાઈ
હોવાનું પ્રમુખ હેમેન્દ્રભાઈ કંસારાએ જણાવ્યું હતું. ચેમ્બર્સ ઓફ કોમર્સના બાબુભાઈ
ધનાણી, રાજેશ પલણ, નીતિનભાઈ ઠક્કરે પણ અસુવિધાઓ
અંગે રજૂઆત કરી હોવાનું ઉમેર્યું હતું. જગ્યાના અભાવે ગ્રાહકોને બેંકના પ્રવેશદ્વાર
બહાર ઊભું રહેવું પડે છે તથા વારંવાર બદલતા સ્ટાફને કારણે વર્તણૂકમાં સર્જાતી સમસ્યાઓ
અંગે જણાવાયું હતું. ઉપરાંત રૂા.10 અને 20ની નોટની
અછત સામે સિક્કા બેંકમાં ઉપલબ્ધ ન હોવાનું તથા નબળી નોટો સ્વીકારવા માંગ કરાઈ હતી.
ગ્રાહકોને પૂછ-પરછમાં યોગ્ય પ્રત્યુત્તર ન મળતા હોવાનું તેમજ પાસબુક એન્ટ્રી માટે પણ
ધક્કા ખાવા પડતાં હોવાનું તથા સ્ટાફની ઘટ હોવાનું જણવા મળ્યું હતું. આ બધી સમસ્યા નિવારવા
તંત્ર દ્વારા પગલાં લેવાય તેવી માંગ ઊઠી હતી.ં