ભુજ, તા. 18 : નખત્રાણા તાલુકા પંચાયત પ્રાથમિક
શિક્ષક ગ્રાહક ધિરાણ સહકારી મંડળીના મંત્રી તથા મથલ પ્રાથમિક શાળાનો મુખ્ય શિક્ષક એવા
ઘનશ્યામભાઇ મનોરભાઇ પટેલને ભુજના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ લાંચના છટકામાં ઝડપી લીધો
છે. આ અંગે ભુજ એસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ ફરિયાદીની કંપનીએ શ્રી નખત્રાણા તાલુકા
પંચાયત પ્રાથમિક શિક્ષક ગ્રાહક ધિરાણ સહકારી મંડળી નખત્રાણાને સપ્લાય કરેલા માલના બિલો
કુલ રૂા. 7,52,132 મંજૂર કરાવવાની અવેજ પેટે આરોપી
એવા મંડળીના માનદ મંત્રી તથા મથલ પ્રા. શાળાના મુખ્ય શિક્ષક ઘનશ્યામભાઇ પટેલે પોતાના
કમિશન પેટે ફરિયાદી પાસેથી રૂા. 2,80,000ની
ગેરકાયદેસરની લાંચ માગી હતી. આ લાંચ ફરિયાદી આપવા માગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક
કરી પોતાની ફરિયાદ આપી હતી. આ ફરિયાદના આધારે એસીબીએ આજે ભુજના અખિલ કચ્છ લોહાણા મહાજન
જલારામ ભોજનાલયના ગેટ પાસેના જાહેર માર્ગ પર લાંચનું છટકું ગોઠવ્યું હતું જેમાં આરોપીએ
ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને રૂા. 2.80 લાખ સ્વીકારતા રંગેહાથ એસીબીએ ઝડપી લીધા હતા. આ છટકું ભુજ એ.સી.બી.
બોર્ડર એકમના મદદનીશ નિયામક કે. એચ. ગોહિલના માર્ગદર્શન હેઠળ છટકાના મુખ્ય અધિકારી
પી.આઇ. એલ. એસ. ચૌધરી સાથે સ્ટાફ જોડાયો હતો. - ફરિયાદી અને આરોપી વચ્ચે નાણાની
લેતી-દેતીનો વ્યવહાર ? : લાંચ લેવાના છટકામાં ઝડપાયેલા આરોપી ઘનશ્યામભાઇ
પટેલ તથા ફરિયાદી વચ્ચે નાણાની લેતી-દેતીનો વ્યવહાર હોવાની સંબંધિતો પાસેથી પૂરક વિગતો
મળી છે અને તેને લઇ વાંધા-વચકા બાદ આ રીતે છટકામાં સપડાવી દેવાયાની ચર્ચાએ જોર પકડયું
છે. આ મંડળીના અંદાજે 400થી 500 સભાસદ છે. આ લાંચના છટકામાં
શિક્ષક ઝડપાતાં નખત્રાણા પંથકના શિક્ષક આલમમાં ચકચાર પ્રસરી છે.