• શુક્રવાર, 19 ડિસેમ્બર, 2025

ડીપીએસ ગાંધીધામ અને સ્વામી વિવેકાનંદ સ્કૂલ અંજારે મેચ કબજે કરી

ગાંધીધામ, તા. 18 : કચ્છમિત્ર એન્કરવાલા કપ-2025ના આઠમાં દિવસે  અંજાર તાલુકાના રતનાલના  ક્રિકેટ મેદાનમાં યોજાયેલી બે લીગ મેચમાં સ્વામી વિવેકાનંદ સ્કૂલ  અને ડીપીએસ સ્કૂલ ગાંધીધામ વિજેતા બની હતી. સવારના ભાગે આજના દિવસની પ્રથમ મેચ રમાઈ હતી. પી.એન. અમરશી સ્કૂલ ગાંધીધામે પ્રથમ ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ  કરી હતી. ડીપીએસ ગાંધીધામે   વીસ ઓવરમાં સાત વિકેટના નુકસાન સાથે હરીફ ટીમને 177 રન લક્ષ્યાંક આપ્યો હતા. જેમાં યશ ઠક્કરે 21 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગા સાથે 35 બનાવ્યા હતા. અરમાન શેખે ત્રણ છગ્ગા અને 1 ચોગ્ગા સાથે  વીસ બોલમાં 27 રન જોડાયા હતા. તેમજ બિલાલ લંગાએ  16 બોલમાં ચાર ચોગ્ગા સાથે 22 રન બનાવ્યા હતા. બીજી બાજુ ભવ્ય ચાવડાએ ચાર ઓવરમાં 33 રન આપી બે વિકેટ, ઋષિત સથવારાએ ચાર ઓવરમાં 19 રન આપી એક વિકેટ અને દક્ષ રાજપૂતે ચાર  ઓવરમાં  19 રન  આપી  એક વિકેટ ઝડપી હતી.  ડીપીએસ ટીમે આપેલા લક્ષ્યાંક સુધી પહોંચવા માટે ઉતરેલી પી.એન. અમરશી સ્કૂલ ગાંધીધામ 14 ઓવરમાં 78 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. પી.એન. અમરશી ટીમના  ભવ્ય ચાવડાએ 28 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગા સાથે 39 રન  બનાવી  મેન ઓફ ધી  મેચ બન્યા હતા. તેમજ  આદિત્ય રાઓતે આઠ બોલમાં  11 રનનું યોગદાન આપ્યું હતું.   આ મેચના બીજા મેન ઓફ ધ મેચ ભવ્ય ચાવડા રહ્યા હતા.  મેન ઓફ મેચ થયેલા ખેલાડીઓને રામજીભાઈ છાંગા અને  દીપકભાઈ માતાના હસ્તે ટ્રોફી અપાઈ હતી. બપોર બાદ આર્ય પબ્લિક સ્કૂલ અંજાર અને સ્વામી વિવેકાનંદ સ્કૂલ અંજારની ટીમ વચ્ચે ટક્કર થઈ હતી. આર્ય પબ્લિક સ્કૂલે  પ્રથમ બેટિંગ પસંદ કરીને 12.3 ઓવરમાં 56  રન બનાવી ઓલઆઉટ થઈ હતી. જેમાં નવીન શર્માએ 16 બોલમાં  એક ચોગ્ગા સાથે 11 રન  તથા યુગ મઢવીએ 25 બોલમાં બે ચોગ્ગા સાથે 11 રન બનાવ્યા હતા. સામે પક્ષે હરીફ ટીમના ઝાલા મહિદીપસિંહે 3.3 ઓવરમાં 12 રન આપી 6 વિકેટ લીધી હતી. કર્મદીપસિંહ ઝાલાએ  બે ઓવરમાં એક રન આપી એક વિકેટ ઝડપી હતી.  56 રનનો લક્ષ્યાંક સર કરવા મેદાને ઊતરેલી સ્વામી વિવેકાનંદ શાળાની ટીમે 9.2 ઓવરમાં ચાર વિકેટના નુકસાન સાથે 60 રન મેળવી જીત મેળવી હતી. સ્વામી વિવેકાનંદ ટીમના  રૂદ્રાંશ સોલંકીએ 16 બોલમાં 17 રન અને ગૌતમ જાદવે 16 બોલમાં 10 રન બનાવ્યા હતા. બંને ખેલાડીઓએ બે-બે ચોગ્ગા મારીને ટીમનો ઉત્સાહ વધાર્યો હતો. જય લુહારે 3.2 ઓવરમાં 17 રન આપી બે વિકેટ અને કાત્સ્ય દામાએ 4 ઓવરમાં 27 રનના નુકસાન સાથે એક વિકેટ લીધી હતી. મેન ઓફ ધ મેચ મહિદીપસિંહ ઝાલા અને બીજા  મેન ઓફ ધ મેચ જય લુહારને   દિનેશભાઈ રાણીપા અને સુરેશભાઈ રાજગોરના હસ્તે ટ્રોફિ એનાયત કરવામાં આવી. 

Panchang

dd