• શુક્રવાર, 19 ડિસેમ્બર, 2025

ગાંધીધામ-આદિપુરમાંથી ફૂડ વિભાગે ખાદ્ય પદાર્થના 16 નમૂના લીધા

ગાંધીધામ, તા. 18 : ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોમાં પર્યટન સ્થળની આસપાસથી ફૂડ વિભાગ દ્વારા 16 ખાદ્ય પદાર્થના નમૂના લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, હવે તેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. જો કોઈ સેમ્પલ ફેલ આવે અથવા તો અખાદ્ય હોવાનું રિપોર્ટમાં આવે, તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું તંત્ર કહી રહ્યું છે. કચ્છની આર્થિક રાજધાની અને પંચરંગી શહેર ગાંધીધામ સંકુલમાં દેશભરના લોકો વસવાટ કરે છે. અહીં ખાણીપીણીમાં પણ લગભગ રાજ્યોની વાનગીઓ મળે છે. સંકુલના મોટાભાગના લોકો નાસ્તો અને અલગ અલગ વાનગીઓ આરોગે છે, વખતો વખત ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને વેચવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી છે અને તેની સામે ફૂડ વિભાગ દ્વારા પણ સેમ્પલો લેવામાં આવે છે. અગાઉ 8થી 10 નમૂના લેવાયા હતા ને તેમની સામે કાર્યવાહી પણ થઈ છે અને હાલમાં ઘણા સમયથી કાર્યવાહી થઈ રહી છે. મહાનગરપાલિકા દ્વારા ચાકિંગ કરીને અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવે છે.  ગાંધીધામ-આદિપુરમાં અને ખાસ કરીને પર્યટન સ્થળ ગાંધી સમાધિ સહિતનાં સ્થળોની આસપાસથી ફૂડ વિભાગ દ્વારા 16 ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે. કાજુદ્રાક્ષ આઈક્રીમ, બ્લેક કરન્ટ આઈક્રીમ, અડદિયા, રસમલાઈ, કડી કચોરી, સમોસા, ભાજી, પુલાવ, દહીંવડા, ભજિયા, કેક, બિસ્કીટ, પીઝા, ગાર્લિક બ્રેડ સહિતના નમૂના લેવામાં આવ્યા હતા અને અલગ અલગ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટમાં જો કોઈ નમૂનો અખાદ્ય અથવા તો નાપાસ થશે, તો જે તે દુકાનદાર સામે કાર્યવાહી કરવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા નમૂના લેવાની કાર્યવાહી નિયમિત કરવામાં આવશે અગાઉ એક સાથે લગભગ 32 નમૂના લેવાયા હતા, ત્યારપછી અલગ અલગ સમયે સેમ્પલો લેવાયા છે ને હવે વધુ 16 સેમ્પલ લેવાયા છે જેને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. 

Panchang

dd