નવી દિલ્હી, તા. 22 : ન્યૂઝીલેન્ડ
સામે રમાયેલી પાંચ મેચની ટી-20 આંતરરાષ્ટ્રીય
શ્રેણીની મોટા સ્કોરવાળી પ્રથમ મેચમાં ભારતે ચાર વિકેટે રોમાંચક વિજય મેળવીને 1-0થી લીડ મેળવી લીધી છે. 226 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો
કરતાં ટીમ ઇન્ડિયાએ સંજુ સેમસન (36 દડામાં 67 રન)ની આગેવાની હેઠળ 19.4 ઓવરમાં છ વિકેટ ગુમાવીને આ
ઐતિહાસિક રનચેઝ સફળતાપૂર્વક પાર પાડયો હતો. ટોસ હારીને પ્રથમ બાટિંગ કરવા ઉતરેલી કિવી
ટીમે ભારતીય બોલરોને ધોઈ નાખ્યા હતા. ફરી એક વખત ભારતીય બોલર્સ અને ફિલ્ડર્સ અસરકારક
પ્રદર્શન કરી શક્યા નહીં. ટોપ-ઓર્ડરમાં ફિન એલને 24 બોલમાં 45 રનથી આક્રમક
શરૂઆત અપાવી હતી. ગ્લેન ફિલિપ્સે ઝડપી બાટિંગ કરી માત્ર 40 બોલમાં આઠ ચોગ્ગા અને ત્રણ
છગ્ગા સાથે અણનમ 82 રન ફટકાર્યા
હતા. ટિમ સાઇફર્ટે 24 રન અને ડેરીલ
મિશેલે 28 રન બનાવ્યા હતા. ડેથ ઓવરોમાં બેવોન જેકોબ્સે માત્ર
16 બોલમાં 31 રનની ઝડપી ઇનિંગ્સ રમી હતી.
ભારતીય બોલરો તરફથી મયંક યાદવે 40 રનમાં, અક્ષર પટેલે 51 રનમાં એક અને અને અર્શદીપ સિંહે 45 રનમાં વિકેટ ઝડપી હતી, ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં છ વિકેટે 225 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો
226 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો
કરતાં ભારતીય ટોપ-ઓર્ડરે શાનદાર શરૂઆત કરી હતી. વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસને 67 રનની તોફાની ઇનિંગ્સ રમી પાયો
મજબૂત કર્યો હતો, તેણે આઠ ચોગ્ગા
અને ચાર છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે કેપ્ટન શ્રેયસ ઐયરે 42 રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું
હતું. અંતિમ ઓવરોમાં મુકાબલો અત્યંત રસાકસીભર્યો બન્યો હતો, જ્યાં નમન ધીરે આક્રમક મિજાજ દાખવતા માત્ર 15 બોલમાં 42 રનની અણનમ ફિનિશર ઇનિંગ્સ રમી
હતી અને છગ્ગો ફટકારી ટીમને વિજયની પાર પહોંચાડી દીધી હતી. નોંધનીય છે કે, આ લક્ષ્યાંક સર કરીને ભારતે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનું
સૌથી મોટું લક્ષ્ય પાર પાડવાનો નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ અગાઉ ભારતીય ટીમે
ટી-20માં સર્વોચ્ચ લક્ષ્યાંકનો પીછો કરવાનો રેકોર્ડ
209 રનનો હતો, જે ભારતે બે વખત હાંસલ કર્યો હતો. સૌપ્રથમ 2023માં ઓસ્ટ્રેલિયા સામે અને ત્યારબાદ 2026માં ન્યૂઝીલેન્ડ સામે. હવે
કિવી ટીમ સામે જ 226 રનનો ટાર્ગેટ
પાર પાડીને ભારતે પોતાના અગાઉના તમામ રેકોર્ડ તોડયા છે.