રાપર, તા. 22 : બનાસકાંઠાથી માંડવીના મોડકૂબા
સુધીની કચ્છ શાખા નહેર વાગડમાં પ્રવેશી, ત્યારે સૂકા મલક એવા વાગડમાં હરિત ક્રાંતિ સર્જાઈ છે, પરંતુ માંજુવાસથી નીકળતી ગાગોદર પેટા કેનાલ શરૂ થઈ ત્યારથી
નબળી કામગીરી સહિતના સવાલો મુદ્દે ધરતીપુત્રોને પાણી મળ્યું જ નથી. પેટા કેનાલમાં પણ અગાઉ ગાબડા પડયા છે ત્યારે હવે
માઈનોર અને સબમાઈનોર કેનાલનાં સમારકામ સામે સવાલો ઊભા થયા છે. આ સ્થિતિનાં કારણે ધરતીપુત્રોની હાલત ભારે કફોડી
બની છે. તાલુકાના ગાગોદર બ્રાન્ચ કેનાલ વિસ્તારમાં કેનાલની સફાઈ, મરંમત અને જાળવણીનાં કામોને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. કેનાલની સફાઈ કરવામાં
આવી નથી, છતાં બિલ બની ગયાના આક્ષેપો અંતરંગ વર્તુળોમાંથી ઊઠી
રહ્યા છે. બીજી તરફ, કેનાલની બાજુના રસ્તાઓ પર બાવળ અને અન્ય
જંગલી વનસ્પતિ ઊગી નીકળતાં અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ રહી છે. કેનાલના એક પણ ગેટ પર
વાલ્વમેન હાજર ન હોવાની ફરિયાદો પણ સામે આવી છે. મોમાયમોરા, સણવા,
સુખપર, આડેસર, પલાંસવા અને
કાનમેર ડિસ્ટ્રીબ્યુટરી સહિતની વિવિધ માઇનર, સબમાઇનર કેનાલો તેમજ
પાઇપલાઇનો તૂટેલી હોવાનાં કારણે ખેડૂતોનાં ખેતરો સુધી સિંચાઈનું પાણી પહોંચતું ન હોવાની
વ્યાપક ફરિયાદો ઊઠી છે. પરિણામે ખેડૂતોને પોતાના પાકને બચાવવા માટે મજબૂરીવશ સ્વખર્ચે
ડીઝલ એન્જિન અને બકનળીની મદદથી પાણી મેળવવું પડે છે. આ વધારાના ખર્ચને કારણે ખેડૂતો
પર આર્થિક બોજ વધી રહ્યો છે. સણવા નજીક દર વર્ષે ચોમાસાં દરમિયાન પાણી ભરાવાનાં કારણે
કેનાલ તૂટી જતી હોવાની સમસ્યા પણ ગંભીર બની છે. આ સ્થળે પાણીના નિકાલ માટે એસ્કેપ બનાવવાની
વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સંબંધિત અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં
આવતી નથી. પરિણામે કેનાલને નુકસાન થવાની સાથે ખેડૂતોને સિંચાઈનાં પાણીથી વંચિત રહેવું
પડે છે અને સરકારને પણ લાખો રૂપિયાનું નુકસાન થાય છે. આગામી રવિ સિઝનમાં ખેડૂતોના ખેતરો
સુધી સિંચાઈનું પાણી પહોંચે તે માટે તૂટેલી માઇનર-સબમાઇનર કેનાલો અને પાઇપલાઇનોનું
સમારકામ, કેનાલની સફાઈ, બાજુના રસ્તાઓ પરથી
ઝાડી કાટિંગ કરી ગેટ પર વાલ્વમેનની વ્યવસ્થા સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ
મુલાકાત કરી કરવામાં આવે તેમ ખેડૂતો ઈચ્છી રહ્યા છે.