• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

વરસાદ બાદ ભુજ તાલુકાના કોટડા ચકાર પંથકમાં મગફળી કાઢવાની સિઝન શરૂ

કોટડા-ચકાર (તા. ભુજ), તા. 22 : કચ્છમાં ચોમાસાના પ્રારંભિક તબક્કામાં વરસાદની અછત બાદ સપ્ટેમ્બર મહિનામાં પડેલા વરસાદથી ભુજ તાલુકાના પદ્ધર, કાળી તળાવડી, કોટડા-ચકાર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મગફળીના પાકને રાહત મળી છે. હાલ ખેતરોમાં મગફળી તૈયાર થતાં ખેડૂતો દ્વારા પાક કાઢવાની કામગીરી તેજ કરવામાં આવી છે. પદ્ધર અને કાળી તળાવડી પંથકમાં ચોમાસુ મગફળીનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે. સપ્ટેમ્બરમાં પડેલા વરસાદ બાદ ખેતરોમાં ભેજ જળવાતાં પાકનું ઉત્પાદન સારું થવાની ખેડૂતોને આશા છે. હાલ ખેડૂતો, ખેડૂતપુત્રો તથા શ્રમિકો મગફળી કાઢવા સહિતની જરૂરી કામગીરીમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. ટ્રેક્ટર અને મશીનરીની મદદથી ખેતરોમાં મગફળી કાઢવામાં આવી રહી છે.  મગફળી કાઢવાની કામગીરી માટે વાવેતર વિસ્તાર મુજબ શ્રમિકોની જરૂરિયાત રહે છે. આ પંથકમાં ખાસ કરીને પરપ્રાંતીય શ્રમિકોની સંખ્યા પણ જોવા મળે છે. મધ્યપ્રદેશ તેમજ પંચમહાલ-ગોધરા સહિતના વિસ્તારોમાંથી અનેક શ્રમિકો વર્ષોથી રોજગાર અર્થે આ વિસ્તારમાં આવતા હોવાનું જાણવા મળે છે. કેટલાક શ્રમિકો પોતાના પરિવારના સભ્યો સાથે વાડીમાં રહી ખેતીકામમાં જોડાય છે અને પાકની કામગીરીમાં સહભાગી બને છે.  શ્રમિકોની અછત હોય તેવા વિસ્તારોમાં નજીકના ગામોમાંથી વાહન મારફતે શ્રમિકોને ખેતર-વાડી સુધી લાવવામાં આવે છે અને કામગીરી પૂર્ણ થયા બાદ પરત મૂકવામાં આવે છે.  શ્રમિકો દરરોજ આશરે પાંચથી છ કલાક કામ કરતા હોવાનું અને તેમને આશરે રૂ. 300થી 350 સુધીની દૈનિક મજૂરી મળતી હોવાનું ખેડૂતો જણાવે છે. હાલ ખેડૂતોની નજર મગફળીના બજારભાવ પર પણ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મગફળીના ભાવમાં 10થી 20 ટકા જેટલો ભાવવધારો મળે તેવી ખેડૂતોને આશા છે. પાકનું ઉત્પાદન સારું રહે અને બજારમાં યોગ્ય ભાવ મળે તો ખેડૂતોને ખેતીમાંથી સારો આર્થિક લાભ મળી શકે તેવી અપેક્ષા છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd