નવી દિલ્હી, તા. 22 : કેન્દ્ર સરકારે
ટીવી ચેનલોને સમાચાર ચર્ચા અને પેનલ ચર્ચા દરમિયાન સંપાદકીય નિયંત્રણ વધુ કડક રાખવા
સૂચના આપી છે. ચર્ચામાં કોઈ પેનલિસ્ટ અપમાનજનક, અભદ્ર, કોમી અથવા ભડકાઉ નિવેદન આપે તો તેનો અવાજ બંધ
કરવા, કાર્યક્રમ અટકાવવા અથવા પ્રસારણ બંધ કરવા જેવા પગલાં લેવા
જણાવાયું છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે
જાહેર કરેલી સૂચનામાં આતંકવાદ વિરોધી કાર્યવાહીના લાઇવ કવરેજથી દૂર રહેવા અને સમાચારની
ચોકસાઈ જાળવવા પણ કહ્યું છે. મંત્રાલયે જણાવ્યું કે, ટીવી ચેનલોએ
ચર્ચામાં ભાગ લેનારા પેનલિસ્ટ અને અન્ય વ્યક્તિઓની પસંદગી કરતી વખતે પૂરતી કાળજી રાખવી
જોઈએ. કાર્યક્રમ દરમિયાન કોઈ વ્યક્તિ અભદ્ર,
અપમાનજનક કે ભડકાઉ ભાષાનો ઉપયોગ કરે તો તેને રોકવા માટે તાત્કાલિક પગલાં
લેવાં જોઈએ. તેમાં માઇક મ્યૂટ કરવું, ડિસ્ક્લેમર દર્શાવવું,
ચર્ચા અટકાવવી અથવા પ્રસારણ બંધ કરવું સામેલ છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, કેટલીક ખાનગી સેટેલાઇટ ટીવી ચેનલો કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ (રેગ્યુલેશન) એક્ટ,
1995 અને કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ
રૂલ્સ, 1994 હેઠળના પ્રોગ્રામ
કોડનું પાલન કરતી ન હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
કેન્દ્રએ ચેનલોને આતંકવાદ વિરોધી કાર્યવાહીનું લાઇવ કવરેજ ન કરવા પણ જણાવ્યું
છે. આ ઉપરાંત, દેશના નકશા અને ગ્રાફિક્સમાં
માત્ર સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા મંજૂર કરાયેલા નકશાનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી
છે. સમાચાર તૈયાર કરવામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ સહાયક સાધન તરીકે જ કરવા અને
તેના કારણે સમાચારની ચોકસાઈ તથા વિશ્વસનીયતા
સાથે બાંધછોડ ન થાય તેની કાળજી રાખવા જણાવાયું છે. મંત્રાલયે ગુના અને હિંસા સંબંધિત
અહેવાલો ચકાસેલા તથ્યો પર આધારિત અને સંતુલિત રાખવા સૂચના આપી છે. અડધી-અધૂરી માહિતી અથવા ખોટા સંકેતોના આધારે
અહેવાલ રજૂ ન કરવા પણ જણાવાયું છે. હિંસક, ભયાનક અથવા અસ્વસ્થ કરી શકે તેવા દૃશ્યો દર્શાવતી વખતે યોગ્ય સાવચેતી રાખવા,
આવા દૃશ્યો વારંવાર ન બતાવવા અને જરૂર જણાય ત્યાં બ્લારિંગ અથવા માસ્કિંગનો
ઉપયોગ કરવા સૂચના અપાઈ છે. ગુનાનું મહિમામંડન કરતી અથવા ગેરકાયદેસર વર્તનને સામાન્ય
બનાવતી સનસનાટીભરી રજૂઆત ટાળવા પણ કહેવાયું છે.