દમ્મામ, તા. 22 : સાઉદી અરેબિયાના પૂર્વીય પ્રાંતના
અગ્રણી શહેર દમ્મામમાં આવેલા કિંગ ફહદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થયેલા હુમલામાં 1 ભારતીય નાગરિકનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે ભારતીય ગંભીર રીતે ઘાયલ થયા
છે. આ હુમલામાં કુલ બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. સાઉદી સરકાર દ્વારા સત્તાવાર
જાણકારી મળ્યા બાદ રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસે આ ઘટનાની પુષ્ટિ કરી છે અને પ્રભાવિત
પરિવારો સાથે સંપર્ક સાધવાની કવાયત તેજ કરી છે. ગઈકાલે બુધવારે સાંજે બનેલી આ ઘટના
બાદ સુરક્ષાના કારણોસર એરપોર્ટ પર તમામ ફ્લાઇટ
ઓપરેશન્સ કામચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવ્યા હતા, જો કે,
પરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા બાદ હવે એરપોર્ટ પરથી વિમાની સેવાઓ પુન:
શરૂ કરવામાં આવી છે. સાઉદી અરેબિયા સ્થિત ભારતીય
એમ્બેસીએ સોશિયલ મીડિયા પર સત્તાવાર નિવેદન આપતાં જણાવ્યું હતું કે, સાઉદી અરેબિયાએ માહિતી આપી છે કે, ગત રાત્રે દમ્મામ એરપોર્ટ
પર થયેલા હુમલામાં કમનસીબે જીવ ગુમાવનારા બે લોકોમાં એક ભારતીય નાગરિક પણ સામેલ છે
અને બે ભારતીય નાગરિક ઈજાગ્રસ્ત થયા છે. અમે ઘટના અંગે વધુ વિગતો મેળવી રહ્યા છીએ અને
પ્રભાવિત પરિવારોનો સંપર્ક સાધી રહ્યા છીએ. અમારી સંવેદના અને પ્રાર્થનાઓ મૃતકના પરિવારજનો
સાથે છે અને અમે ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરીએ છીએ. સાઉદી અરેબિયાના જનરલ ઓથોરિટી ઓફ સિવિલ એવિએશન
(GACA) એ સોશિયલ મીડિયા પર શેર કરેલી
સત્તાવાર માહિતી અનુસાર, બુધવારે સાંજે
એરપોર્ટ પર થયેલા હુમલામાં માર્યા ગયેલા બે લોકોમાં એક સાઉદી નાગરિક અને એક ભારતીય
નાગરિક સામેલ છે. ઓથોરિટીએ વધુમાં જણાવ્યું હતું કે, આ હુમલામાં
કુલ આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે. GACAના જણાવ્યા અનુસાર, તમામ ઈજાગ્રસ્તોને સામાન્યથી લઈને ગંભીર પ્રકારની
ઈજાઓ પહોંચી છે અને તેઓને દમ્મામની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરીને જરૂરી તબીબી સારવાર
આપવામાં આવી રહી છે.