નવી દિલ્હી, તા. 22 : ત્રણ દિવસના
ભારત પ્રવાસે આવેલા પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક સાથે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર
મોદીએ દ્વિપક્ષીય બેઠક કરી હતી, જેમાં
બે દેશના સંબંધોની સમીક્ષા કરાઇ હતી. બંને નેતાએ વેપાર, ટેક્નોલોજી,
સંરક્ષણ સહિત અનેક મહત્ત્વના ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા થઇ હતી,
તો અનેક મહત્ત્વના કરારોની આપ-લે પણ થઇ હતી. ભારત અને પોલેન્ડ વાર્ષિક
દ્વિપક્ષીય વેપાર છ અબજ ડોલરમાંથી વધારીને 10 અબજ ડોલર સુધી પહોંચાડવાના લક્ષ્ય પર કામ કરશે. ટસ્ક સાથે મુલાકાત
બાદ મોદીએ કહ્યું હતું કે, ભારત અને યુરોપીય
સંઘ વચ્ચે મુક્ત વેપાર સમજૂતીથી ભારત-પોલેન્ડ ભાગીદારી માટે નવા અવસર વધ્યા છે. ભારતની
વધતી આર્થિક તાકાતને બંને દેશ વચ્ચે સહયોગની નવી શક્યતાઓ પેદા કરી છે તેવું વડાપ્રધાન
મોદી બોલ્યા હતા. પોલન્ડના પીએમ ડોનાલ્ડ ટસ્કે કહ્યું હતું કે, મને વડાપ્રધાન મોદીને મિત્ર કહેવા પર ગર્વ છે. બે દેશ વચ્ચે હિતોનો કોઇ ટકરાવ
નથી. ટસ્કે રાજઘાટ પહોંચીને આજે સવારે ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે વૈશ્વિક
મામલાઓમાં ભારતની ભૂમિકાની પ્રશંસા કરી હતી.