• બુધવાર, 21 ઑક્ટોબર, 2026

વધુ પાંચ ગોલ્ડ સહિત 24 મેડલ જીત્યા

આઈચી-નાગોયા, તા. 20 : જાપાનના આઈચી-નાગોયા ખાતે ચાલી રહેલી એશિયન પેરા ગેમ્સના બીજા દિવસે ભારતીય દળે 5 ગોલ્ડ સહિત કુલ 24 મેડલ્સ જીત્યા છે. આ શાનદાર દેખાવ સાથે સ્પર્ધાના બીજા દિવસના અંતે ભારત 9 ગોલ્ડ, 11 સિલ્વર અને 15 બ્રોન્ઝ સહિત કુલ 35 મેડલ સાથે ટેલીમાં છઠ્ઠા ક્રમે પહોંચી ગયું છે. ભારતના સ્ટાર હાઈ જમ્પર નિશાદ કુમારે સતત બીજા દિવસે ગોલ્ડ જીતીને ઇતિહાસ રચ્યો છે. સોમવારે લોંગ જમ્પમાં ગોલ્ડ જીત્યા બાદ, મંગળવારે તેણે મેન્સ હાઈ જમ્પ ટી47 ઇવેન્ટમાં 2.04 મીટરની છલાંગ લગાવી ગેમ્સ રેકોર્ડ સાથે સુવર્ણ ચંદ્રક પોતાના નામે કર્યો હતો. ટ્રેક ઇવેન્ટ્સમાં તેલંગાણાની 23 વર્ષીય પેરાલિમ્પિક બ્રોન્ઝ મેડાલિસ્ટ દીપ્તિ જીવનજીએ મહિલાઓની 400 મીટર ટી20 સ્પર્ધા 56.36 સેકન્ડમાં પૂરી કરી ગેમ્સ રેકોર્ડ સાથે સતત બીજી એશિયન પેરા ગેમ્સમાં ગોલ્ડ જાળવી રાખ્યો હતો. ત્યારબાદ મહિલાઓની 200 મીટર ટી12 કેટેગરીમાં સિમરને 24.80 સેકન્ડના નવા ગેમ્સ રેકોર્ડ સાથે સફળતા મેળવી હતી. આ જ સ્પર્ધામાં ગુજરાતની તેજલબેન ડામોરે પોતાની પ્રથમ એશિયન પેરા ગેમ્સમાં 25.23 સેકન્ડના વ્યક્તિગત શ્રેષ્ઠ સમય સાથે બ્રોન્ઝ મેડલ જીતી રાજ્યનું ગૌરવ વધાર્યું હતું. શાટિંગ રેન્જમાં પેરિસ પેરાલિમ્પિક સિલ્વર મેડાલિસ્ટ મનીષ નરવાલે મેન્સ 10 મીટર એર પિસ્તોલ એસએચ1 કેટેગરીમાં 233.7ના સ્કોર સાથે સિલ્વર મેડલ જીતવાની સાથોસાથ લોસ એન્જલસ 2028 પેરાલિમ્પિક્સ માટે ભારતને સત્તાવાર ક્વોટા પણ અપાવ્યો હતો. વિમેન્સ 10 મીટર એર પિસ્તોલ એસએચ1માં સૃષ્ટિ અરોરાએ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. પાવરલિફ્ટિગમાં હરિયાણાના 37 વર્ષીય અશોક કુમાર મલિકે મેન્સ 65 કિગ્રા વર્ગમાં 192 કિગ્રા વજન ઉંચકી સિલ્વર મેડલ મેળવ્યો હતો. સ્વામિંગમાં જન્મજાત દૃષ્ટિહીન હિમાંશુ નંદલે મેન્સ 400 મીટર ફ્રીસ્ટાઇલ એસ11માં (5:10.91) અને નિરંજન મુકુંદને મેન્સ 200 મીટર ઇન્ડિવિજ્યુઅલ મેડલે એસએમ7માં (2:57.01) બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ટેબલ ટેનિસમાં રવિ બેબી સહાના અને પ્રાચી પાંડે સ્ટેન્ડિગ કેટેગરીમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડીઓ બની હતી. પેરાલિમ્પિક મેડાલિસ્ટ ભાવિના પટેલ, સોનલબેન પટેલ અને જેહાન મદને પણ બ્રોન્ઝ જીતતાં ટેબલ ટેનિસમાં કુલ પાંચ બ્રોન્ઝ મેડલ ભારતને મળ્યા હતા. ભાવિના સેમિફાઇનલમાં ચીનની ઝાંગ બિયાન સામે અને સોનલબેન સાઉથ કોરિયાની જીયુ યૂન સામે હારી જતાં કાંસ્ય પદકથી સંતોષ માનવો પડ્યો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd