• ગુરુવાર, 22 ઑક્ટોબર, 2026

ભચાઉનો કકરવા-ખારોઇ માર્ગ લોહીથી ખરડાયો

ગાંધીધામ, તા. 20 : ભચાઉ તાલુકાના કકરવા અને ખારોઇ વચ્ચે બેફામ દોડતાં ડમ્પરે બોલેરોને હડફેટમાં લેતાં બોલેરો નીચે ફંગોળાઇ હતી, જેમાં સાંતલપુરના ક્રિષ્નાબેન જીવણ કબાભાઇ આહીર (ઉ.વ. 12) તથા મયંક વિરમ આહીર (ઉ.વ. 6)નાં મોત થયાં હતાં, જ્યારે બોલેરોમાં સવાર અન્ય 19 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અછડતા વેગે દોડતાં રાક્ષસી ડમ્પરો અને બેફામ ડ્રાઇવિંગના કારણે કચ્છના માર્ગો ફરી એક વખત રક્તરંજિત બન્યા છે. સાંતલપુરમાં રહેનારા પરિવારો બોલેરોમાં સવાર થઇને આજે ખારોઇ બાજુ કામ અર્થે આવી રહ્યા હતા દરમ્યાન બપોરે એક વાગ્યાના અરસામાં આ ગોઝારો અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પોલીસે પ્રાથમિક વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ બોલેરો કકરવા અને ખારોઇ વચ્ચે સિંગલપટ્ટી રોડ ઉપર પહોંચી હતી દરમ્યાન, પૂરપાટ ઝડપે આવી રહેલાં બેફામ ડમ્પરે આ બોલેરો વાહનને જોરદાર ટક્કર મારતાં બોલેરો ફંગોળાઇને માર્ગની નીચે ગડથોલાં ખાતી પલટી ગઇ હતી. આ ભયાનક અકસ્માતનાં કારણે બોલેરોમાં સવાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં ક્રિષ્ના તથા મયંક નામનાં બાળકોને વધુ સારવાર મળે તે પહેલાં તેમણે દમ તોડી દીધો હતો. અકસ્માતના પગલે મરણચીસોથી વાતાવરણ ગાજી ઊઠયું હતું. બનાવ બાદ આસપાસના લોકો, વાહનચાલકો દોડી આવ્યા હતા તેમજ ઘવાયેલાઓને ખાનગી વાહનો, 108 એમ્બ્યુલન્સ થકી સારવાર અર્થે ભચાઉ લઇ જવાયા હોવાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું હતું. ઘવાયેલાઓમાં આશાબેન નાકદાર (ઉ.વ. 25), લાખુબેન સવાભાઇ આહીર (ઉ.વ. 30), સરિયાબેન કાનાભાઇ આહીર, મણિબેન ડાલાભાઇ આહીર (ઉ.વ. 32), પમીબેન વિરમ આહીર (ઉ.વ. 28), અંજલિબેન ભચુભાઇ (ઉ.વ. 8), જયશ્રીબેન રાણાભાઇ બકુત્રા (ઉ.વ. 17), જિગર લાગાભાઇ આયર (ઉ.વ. 15), સોનાબેન પોપટભાઈ આહીર (ઉ.વ. 24), લાખુબેન નાકદારભાઈ આહીર (ઉ.વ. 22), જયદીપ કાના આયર (ઉ.વ. 7), જયશ્રીબેન કમાભાઈ આહીર (ઉ.વ. 18), આરતીબેન જીવણભાઈ આયર (ઉ.વ. 17), નયન ડાલાભાઈ આહીર (ઉ.વ. 1), ડાલાભાઈ અરજણભાઈ આહીર (ઉ.વ. 35), ભાવેશ સવાભાઈ આહીર (ઉ.વ. 7), જનક નયન આહીર (ઉ.વ. 9), દેવ આહીર (ઉ.વ. 4) તથા જાનકીબેન બચાભાઈ આહીર (ઉ.વ. 15)ને ઈજાઓ પહોંચી હોવાનું બહાર આવ્યું હતું. ઘવાયેલાઓ પૈકી અમુકને ભચાઉ રખાયા હતા, જ્યારે અન્યોને આદિપુર તથા ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવમાં ફરિયાદ નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું પી.એસ.આઈ. કે. બી. તરારે જણાવ્યું હતું. અકસ્માતમાં બે બાળકોનાં મોત અને 19 લોકોને ઈજાઓને પગલે અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી હતી તેમજ વાગડ પંથકમાં બેફામ બનેલા વાહન ચાલકો સામે કડક કાર્યવાહીની માંગ લોકોએ કરી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd