• બુધવાર, 21 ઑક્ટોબર, 2026

`વિરોધ પ્રદર્શનોથી સત્તાપલટો ભારતમાં શક્ય નથી'

નાગપુર, તા. 20 : દેશમાં હાલના કેટલાંક આંદોલન અને સત્તા પરિવર્તન વિવાદ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે મહત્ત્વના નિવેદનમાં મંગળવારે જણાવ્યું હતું કે, સત્તા પરિવર્તન માટેનાં આંદોલનો મૂળભૂત સમસ્યાનો ઉકેલ લાવતાં નથી. તેમણે ચેતવણી આપી હતી કે,  આવા વિરોધ પ્રદર્શન ઉકેલ લાવવાને બદલે રાજકીય હિતો સાધવાનું સાધન બની શકે છે અને સમાજમાં વિભાજનને વેગ આપી શકે છે. નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વાર્ષિક વિજયાદશમી ઉત્સવમાં સંબોધન કરતાં ભાગવતે બાંગલાદેશ, નેપાળ, ફ્રાન્સ અને અલ્બેનિયામાં તાજેતરમાં થયેલી સત્તાની ઊથલપાથલનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પોતાનો સ્વાર્થ સાધવા માગતી શક્તિઓ રાજકીય પરિસ્થિતિ બદલવા માટે `સત્તા પરિવર્તન'નો ઉપયોગ કરતી હોય છે, પરંતુ તેનાથી ભાગ્યે જ ઇચ્છીત પરિણામ મળે છે. તેમણે કહ્યું હતું કે, તેઓ દાવો કરે છે કે, સત્તા બદલવાથી પરિસ્થિતિ બદલાઇ જશે, પરંતુ વાસ્તવમાં  આવું ક્યારેય બન્યું નથી. ભાગવતે દાવો કર્યો હતો,  એક  શક્તિશાળી ભારત આવી શક્તિઓ પર અંકુશ મૂકી શકે છે,  જેના કારણે ભારતને નબળું પાડવા અને વિભાજિત કરવાના પ્રયાસો કરાઇ રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, કેટલીક વૈશ્વિક સત્તાઓ ઇચ્છે છે કે, ભારત વિકાસ કરે, પરંતુ તેઓ એવું નથી ઇચ્છતા કે ભારત ખૂબ શક્તિશાળી બને. કારણ કે, તે તેમના વર્ચસ્વ માટે પડકાર બની શકે છે. ભાગવતે સંઘના વિજયાદશમી ઉત્સવ દરમ્યાન પરંપરાગત `શત્ર પૂજા' કરી હતી. તેમણે ડો. કેશવ બલિરામ હેડગેવારને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. પોતાના સંબોધનમાં સંઘ વડાએ  એકતા પર ભાર મુકતાં કહ્યું હતું કે, જ્યારે-જ્યારે આપણે વિભાજિત થયા છીએ, ત્યારે-ત્યારે આપણે નબળા પડયા છીએ. - ડો. ભાગવતનું સંબોધન પ્રેરણાત્મક : પીએમ મોદી : નવી દિલ્હી, તા. 20 : નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિજયાદશમી ઉત્સવ દરમિયાન સંઘ વડા ડો. મોહન ભાગવતે કરેલાં સંબોધનની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરતાં તેમનાં ઉદ્બોધનને પ્રેરણાદાયી ગણાવ્યું હતું. સોશિયલ મીડિયા `એક્સ' પર પીએમ મોદીએ જણાવ્યું કે, સરસંઘચાલક ડો. ભાગવતે પ્રેરણાદાયી ઉદ્બોધન કર્યું હતું. તેમણે રાષ્ટ્રીય પ્રગતિ, સામાજિક એકતા, આત્મનિર્ભરતાની આવશ્યકતા અને સમાજના ચરિત્રને સુદૃઢ કરવા જેવા અનેક વિષયો પર ચર્ચા કરી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd