• બુધવાર, 21 ઑક્ટોબર, 2026

અંજારમાં 25 ઓક્ટોબરથી `બ્લડબેન્ક' થશે કાર્યરત

રશ્મિન પંડયા દ્વારા : અંજાર, તા. 20 : અંજાર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકો માટે આરોગ્ય ક્ષેત્રે એક મહત્ત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થવા જઈ રહ્યો છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, અંજાર શાખાના ઉપક્રમે આગામી તા. 25 ઓક્ટોબર `દીપક વ્યાસ પરિવાર બ્લડબેન્ક'નું લોકાર્પણ કરવામાં આવશે. વીડી ચાર રસ્તા નજીક નંદીશાળાની સામે આવેલી રેડક્રોસ સોસાયટીની પોતાની આશરે 800 ચોરસ મીટર જગ્યામાં નિર્મિત આ અદ્યતન બ્લડબેન્ક કાર્યરત થતાં અંજાર શહેર ઉપરાંત તાલુકાનાં 68 ગામ સહિત આસપાસના વિસ્તારોના લોકોને કટોકટીના સમયે લોહી અને તેના વિવિધ ઘટકોની સુવિધા સરળતાથી મળી શકશે. આ મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ પાછળ રૂ. બે કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. અંજાર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, અંજાર શાખાના ચેરમેન વસંતભાઈ કોડરાણીએ જણાવ્યું હતું કે, તા. 25 ઓક્ટોબરના લોકાર્પણ સમારોહમાં વૃંદાવનના ભાગવત કથાકાર ઇન્દ્રેશજી ઉપાધ્યાય, રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી તથા અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, પ્રદેશ ભાજપ મહામંત્રી અને માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ સહિત ઉપસ્થિત રહેશે. લોકાર્પણના દિવસે જ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ચેરમેન વસંતભાઈ કોડરાણીએ જણાવ્યું હતું કે, તત્કાલીન ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાતના ચેરમેન ભાવેશભાઈ આચાર્યના વડપણ હેઠળ અંજારમાં બ્લડબેન્ક શરૂ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી. આ પ્રયાસોને આગળ ધપાવી હાલ કચ્છ જિલ્લા રેડક્રોસ સોસાયટીના ચેરમેન ધવલભાઈ આચાર્યના માર્ગદર્શન હેઠળ આ પ્રકલ્પ કાર્યરત થવા જઈ રહ્યો છે. - દાતાઓ અને સરકારી સહયોગથી રૂ. બે કરોડનો પ્રકલ્પ સાકાર : બ્લડબેન્કના નિર્માણમાં દાતાઓના અનુદાન અને સરકારી સહયોગે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સ્વ. દીપકભાઈ મધુકાંતભાઈ વ્યાસની સ્મૃતિમાં અંજારના ધારાશાસ્ત્રી મેહુલભાઈ વ્યાસના પરિવાર દ્વારા રૂ. 25 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે. તેવી જ રીતે સ્વ. જેરામભાઈ (બબાકાકા) ભગવાનજીભાઈ રાવલિયાની સ્મૃતિમાં તેમના પરિવારજનો દ્વારા રૂ. પાંચ લાખનું અનુદાન આપવામાં આવ્યું છે.  ગુજરાત વિધાનસભાનાં પૂર્વ અધ્યક્ષ નિમાબેન આચાર્યના પ્રયાસોથી ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન સ્ટેટ નોડલ યુનિટના સીએસઆર ફંડ મારફતે સંસ્થાને રૂ. 54 લાખની ગ્રાન્ટ મળી છે. જ્યારે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા રૂ. 20 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત પીજીવીસીએલ અને જીઈટીસીઓ દ્વારા સાધનો વિકસાવવા માટે સહયોગ આપવામાં આવ્યો છે. અદ્યતન સાધનોથી સજ્જ આ બ્લડબેન્કમાં આશરે 1,800 રક્તબેગ સંગ્રહ કરવાની ક્ષમતા રાખવામાં આવી છે. - રિપ્લેસમેન્ટ વિના રક્તસેવા આપવાનું આયોજન : આ બાબતે અંજાર જૈન સમાજના અગ્રણી ડેનીભાઇ શાહે જણાવ્યું હતું કે, આ બ્લડબેન્કની એક મહત્ત્વપૂર્ણ વિશેષતા એ રહેશે કે, પ્રારંભિક આયોજન મુજબ જરૂરિયાતમંદોને કોઈ પણ જાતના રિપ્લેસમેન્ટ પદ્ધતિ વિના રક્તસેવા પૂરી પાડવામાં આવશે. - થેલેસેમિયાના દર્દીઓ માટે વિશેષ રાહતનું આયોજન : થેલેસેમિયા જેવા રોગોથી પીડાતા દર્દીઓને સમયાંતરે રક્તની જરૂર પડતી હોય છે. આવા દર્દીઓ માટે વિશેષ રાહત અને સગવડો ઉપલબ્ધ કરાવવાનું પણ આયોજન હાથ ધરવામાં આવશે. - ટૂંક સમયમાં રેડક્રોસની એપ્લિકેશન શરૂ કરાશે : ડેનીભાઈ શાહે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં `ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અંજાર' નામની મોબાઇલ એપ્લિકેશન શરૂ કરવામાં આવશે. આ એપ્લિકેશનમાં રક્તદાતાઓની માહિતી અને દુર્લભ બ્લડ ગ્રુપને લગતી વિગતોનો સમાવેશ કરવામાં આવશે. અંજાર રેડક્રોસ શાખાના ચેરમેન વસંતભાઈ કોડરાણી, વાઇસ ચેરમેન હાજી ઈસ્માઈલભાઇ ખત્રી, ખજાનચી હિરેનભાઈ પંડયા, પૂર્વ ચેરમેન મહેશભાઈ દોશી, ડો. સી.એન. મહેતા, જિલ્લા કારોબારી ચેરમેન રામજીભાઈ ધેડા, દિનેશભાઈ રાવલ અને ડેનીભાઈ શાહ, યોગેશભાઈ ગજ્જર સહિતના આગેવાનો આ પ્રકલ્પના નિર્માણ અને સુચારુ સંચાલન માટે સતત સક્રિય ભૂમિકા ભજવી રહ્યા. દાતા પરિવારના એડવોકેટ મેહુલભાઈ વ્યાસ, અંજાર શહેર યુવા  ભાજપ પ્રમુખ આકાશ કોડરાણી, પૂર્વ નગરપતિ વૈભવ કોડરાણી સહિતના પણ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, અંજારમાં બ્લડબેન્ક શરૂ થતાં સમયસર રક્તની ઉપલબ્ધતા, સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન, થેલેસેમિયાના દર્દીઓ માટે સહાય અને ભવિષ્યની આરોગ્યલક્ષી યોજનાઓને કારણે આ પ્રકલ્પ સમગ્ર વિસ્તાર માટે મહત્ત્વપૂર્ણ સેવાકીય પહેલ બની રહેશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd