વસંત પટેલ દ્વારા : કેરા (તા. ભુજ), તા. 20 : જ્યાં માતાજીના
પંડાલમાં પગરખાં પહેરીને પ્રવેશ નિષેધ છે તેવા કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી યુ.કે.નાં
નવરાત્રિ આયોજનમાં શુક્ર-શનિના 6000 ખેલૈયા રાસ-ગરબા, હીંચના તાલે ઝૂમી ઊઠયા છે. ન માત્ર યુ.કે. પણ
યુરોપની સૌથી મોટી નવરાત્રિ અહીં યોજાઇ રહી છે. અધ્યક્ષ માવજીભાઇ ધનજી વેકરિયા (કોન્ફોર્ડ)ના
નૃત્વમાં કોમ્યુનિટીની સંપૂર્ણ ટીમે કાયમી માર્કી ઊભી કરે છે. સમતાપ આ વ્યવસ્થાને ધજા-પતાકાના
શણગાર, રંગબેરંગી પડદા, પંડાલ વચ્ચે નવદુર્ગાની
ફરતી ગરબી આકર્ષણનું કેન્દ્ર બની છે. અહીંની વ્યવસ્થાઓ-સુરક્ષા પરિવારોને આકર્ષિત કરી
રહી છે. પ્રારંભે માતાજીની આરતી-પૂજન કરાય છે, જેમાં તમામ ભાવિકો
ભાગ લે છે. સપ્તાહમાં એકવાર નવરાત્રિ શિબિર યોજી આધ્યાત્મિક સમજ અપાય છે, જેમાં બાળકો સહિતના યુવા ભાગ લઇ રહ્યા છે. ગુજરાતી ગરબા, દુહા-છંદ, રાસ ગવાય છે. ફિલ્મી ગીતો ગવાતાં નથી. અહીં
સનાતન હિન્દુ સંસ્કૃતિની જાળવણીને અગ્રતા અપાય છે. લંડનમાં કચ્છીઓ દ્વારા ખાસ હીંચ
રમાય છે, તેને નિહાળવો એક લહાવો છે. રંગબેરંગી પરંપરાગત મર્યાદિત
પરિધાનનો આયોજકો દ્વારા આગ્રહ રખાય છે અને માતાજીના પંડાલમાં પગરખાં પહેરીને પ્રવેશવાની
મનાઇ છે. સંપૂર્ણ ભક્તિભાવ સાથે યોજાતી આ નવરાત્રિના મોટાં આયોજનની આવક ઇન્ડિયા ગાર્ડનના
નિર્માણમાં ખર્ચવામાં આવશે. અહીં વાનગી-વ્યંજનના સ્ટોલ પણ સ્વાદરસિયા માટે વિશેષ આકર્ષણ
છે. કચ્છીઓ ઉપરાંત યુ.કે.માં કામ અર્થે આવેલા ગુજરાતીઓ મોટી સંખ્યામાં અહીં ગરબા રમવા
આવે છે. કોમ્યુનિટીની મહિલા ટીમો સંપૂર્ણ વ્યવસ્થાના કેન્દ્રમાં રહી છે. અહીં છેલ્લા
આઠ દિવસથી રાત્રે દિવસ ઊગે તેવો ઉત્સાહસભર માહોલ જામ્યો છે. ટ્રસ્ટના મંત્રી રવિભાઇ
વરસાણી, વિનોદભાઇ ગાજપરિયા તથા નવરાત્રિ ટીમ સૌ સાથે મળી આયોજન-વ્યવસ્થા
સંભાળી રહ્યા છે. સ્થાનિક આમંત્રિતો સાથે ગોરી અંગ્રેજ યુવતીઓ પણ ગરબા રમે છે.