• બુધવાર, 21 ઑક્ટોબર, 2026

ઝિમ્બાબ્વેનો સફાયો કરતી મહિલા ટીમ

રાયપુર, તા. 20 : ઝિમ્બાબ્વે સામે રમાઈ રહેલી ત્રીજી અને અંતિમ ટી-20 મેચમાં ભારતીય મહિલા ટીમનો 92 રને વિજય થયો છે. આ સાથે ભારતે શ્રેણી 3:0થી જીતી ક્લીન સ્વીપ કરી છે. આજે ટીમ ઈન્ડિયાએ હરમનપ્રીતના 91 અને શેફાલીના 69 રનની મદદથી 216 રન ખડક્યા હતા, જેનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમ સાત વિકેટે માત્ર 124 રન જ કરી શકી હતી. પ્રથમ મેચમાં ભારતીય મહિલા ટીમે ચાર વિકેટથી અને બીજીમાં નવ વિકેટથી વિજય મેળવ્યો હતો. ઝિમ્બાબ્વેની શરૂઆત નબળી રહી હતી. ઇનિંગ્સના પ્રથમ જ બોલ પર કેલિસ એન્દ્લોવુ ખાતું ખોલાવ્યા વિના ક્રાંતિ ગૌડનો શિકાર બની ગઈ હતી. શાહર્ને મેયર્સ 60 રન અને બિલોવ્ડ બિઝાએ 44 રન બનાવ્યા હતા. બાકીના પ્લેયર્સ નોંધપાત્ર યોગદાન આપી શક્યા નહીં. નંદિની શર્માએ ત્રણ વિકેટ ઝડપી હતી.  આ પહેલા ભારતીય મહિલા ટીમે વિસ્ફોટક બાટિંગ કરી હતી અને 20 ઓવરમાં સાત વિકેટે 216 રનનો તાતિંગ સ્કોર ઊભો કર્યો હતો. હરમનપ્રીત કૌરે ઝંઝાવાતી અણનમ 91 રનની ઇનિંગ્સ રમી હતી. શેફાલી વર્માએ 37 બોલમાં 69 રન ઝૂડી કાઢયા હતા. ટોપ ઓર્ડર બાદ ક્રિઝ પર આવેલી હરમનપ્રીત કૌરે 41 બોલમાં 10 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી અણનમ 91 રન ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઇક રેટ 221.95 રહ્યો હતો. કેપ્ટન સ્મૃતિ મંધાના ક્રિઝ પર બાટિંગ કરવા ન ઉતરતાં ચાહકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. જો કે, તેનો ઉદ્દેશ્ય મિડલ ઓર્ડરના બેટર્સને મેદાન પર પૂરતો સમય આપવાનો હોવાનું જાણવા મળે છે. જો કે, મિડલ ઓર્ડરમાં અન્ય બેટર્સ સસ્તામાં પેવેલિયન ભેગી થઈ હતી. વિકેટકીપર રિચા ઘોષ એક રન, દીપ્તિ શર્મા શૂન્ય રને, અરુંધતી રેડ્ડી ચાર અને પ્રેમા રાવત ચાર રન બનાવી આઉટ થયા હતા. ક્રાંતિ ગૌડ ખાતું ખોલાવ્યા વિના હરમનપ્રીત સાથે અણનમ રહી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd