• રવિવાર, 09 ઑગસ્ટ, 2026

પડીક્કલનો ગોલ ટેસ્ટ માટે દાવો

કોલંબો, તા. 8 : ભારતીય ટીમ વર્તમાન સમયે શ્રીલંકાના પ્રવાસે છે. જ્યાં ટીમ કોલંબોમાં શ્રીલંકા-ઇલેવન સામે ત્રણ દિવસની પ્રેક્ટિસ મેચ રમી રહી છે. શ્રીલંકાની ટીમે મેચના પહેલા દિવસે આઠ વિકેટે 363 રન કરીને ઇનિંગ્સ ઘોષિત કરી હતી જ્યારે બીજા દિવસે ભારતે છ વિકેટે 357 રન કર્યા હતા. દિવસના અંતે ભારત યજમાન ટીમથી છ રન પાછળ હતું. મેચમાં દેવદત્ત પડીક્કલે ટીમમાં સ્થાન માટે દાવો કરતા 142 રન કર્યા હતા જ્યારે રવીન્દ્ર જાડેજાએ પણ મહત્ત્વના 63 રન કર્યા હતા. ભારતને ઇનિગ્સમાં પહેલો ઝટકો યશસ્વી જયસ્વાલના રૂપમાં લાગ્યો હતો. જયસ્વાલ ખાતું ખોલ્યા વિના જ પેવેલિયન પરત ફર્યો હતો જ્યારે કેપ્ટન કેએલ રાહુલે 67 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 40 રન કર્યા હતા. ત્રીજા ક્રમે બેટિંગ કરવા ઉતરેલા દેવદત્ત પડીક્કલે 121 બોલમાં 14 ચોગ્ગાની મદદથી 103 રન કર્યા હતા અને પછી રિટાયર્ડ હર્ટ થયો હતો. બાદમાં પંત બે રને અને ધ્રુવ જુરેલ એક રને આઉટ થઈ જતા સ્થિતિ થોડી દબાણ ભરી બની હતી. દરમિયાન રવીન્દ્ર જાડેજા અને માનવા સુથારે છઠ્ઠી વિકેટ માટે ઇનિંગ્સ સંભાળી હતી. બન્ને વચ્ચે 76 રનની ભાગીદારી થઈ હતી. જાડેજા 63 રને રિટાયર્ડ આઉટ થયો હતો અને સુથાર 41 રને પેવેલિયન પરત ફર્યો હતો. કુલદીપ યાદવ પણ રિટાયર્ડ હર્ટ થયો હતો. આ દરમિયાન પડીક્કલે મેદાનમાં વાપસી કરી હતી અને દિવસના અંત સુધીમાં 164 બોલમાં 18 ચોગ્ગા સાથે 142 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. બીજી તરફ ગુરનૂર બરાર 18 બોલમાં બે ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે 36 રન કરીને નોટઆઉટ પરત ફર્યો હતો. મેચમાં સૌથી નોંધપાત્ર ઇનિંગ પડીક્કલની રહી હતી. સાઈ સુદર્શન ઈજાનાં કારણે શ્રીલંકા સામેની શ્રેણીમાંથી બહાર થયો છે. આવી સ્થિતિમાં પડીક્કલની બેટિંગે ધ્યાન ખેંચ્યું છે. એવી ચર્ચા પણ શરૂ થઈ છે કે પડીક્કલને શ્રીલંકા સામે બે ટેસ્ટની શ્રેણીમાં અંતિમ ઇલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે.

Panchang

dd