ગ્લાસગો, તા. 1 : ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026ની મેન્સ જેવલિન થ્રો સ્પર્ધામાં ભારતે બે ચંદ્રક
જીત્યા છે. જોકે,
નીરજ ચોપરા સુવર્ણ ચૂક્યો હતો. અને રજત જીત્યો હતો. શ્રીલંકાના યુવા
એથલીટ રુમેશ પાથિરાગેએ ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો. ભારતના યશવીર સિંહે બ્રોન્ઝ મેડલ
નામે કર્યો હતો ખિતાબી મુકાબલા બાદ સૌથી વધારે ચર્ચા નીરજ ચોપડાના નિવેદનની રહી હતી.
જેમાં નિરજે પોતાના મેડલ કરતા યશવીરસિંહની સિદ્ધિને મહત્વ આપ્યું હતું. બે વખતના ઓલિમ્પિક
વિજેતા નીરજ ચોપડાએ કહ્યું હતું કે યશવીરસિંહ સાથે પોડિયમ ઉપર રહેવાનો અનુભવ ખુબ જ
ખાસ હતો. નિરજ અનુસાર ભારતીય જેવલિન થ્રોનું ભવિષ્ય ઉજ્જવળ છે અને યશવીરે દબાણમાં જે
રીતનું પ્રદર્શન કર્યું છે તે પ્રશંસાને પાત્ર છે. કોમનવેલ્થમાં પદાર્પણ કરી રહેલા યશવીરે સ્પર્ધામાં
સૌથી રોમાંચક ક્ષણ નામે કરી હતી. પહેલા પાંચ પ્રયાસ સુધી યશવીર પદની દોડમાં પાછળ હતો,
જો કે છઠ્ઠા અને અંતિમ પ્રયાસમાં 85.41 મીટરનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ થ્રો કરીને બ્રોન્ઝ
મેડલ જીતી લીધો હતો. યશે પુર્વ વિશ્વ ચેમ્પિયન એન્ડરસન પીટર્સ અને વર્તમાન ઓલિમ્પિક
ચેમ્પિયન અરશદ નદીમ જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા હતા. બીજી તરફ 2026ની સીઝનમાં નીરજ ચોપડાની આ બીજી હરીફાઈ હતી. મુશ્કેલ સમય અને તેજ હવા વચ્ચે
નીરજે બીજા પ્રયાસમાં 85.83 મિટરનો
થ્રો કર્યો હતો. જે વર્ષનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. જો કે 2018ની જેમ ગોલ્ડ જીતી શક્યો નહોતો પણ સિલ્વર મેડલ
સાથે પોતાની કારકિર્દીમાં વધુ એક મેડલ જોડયો છે. ગોલ્ડ શ્રીલંકાના રુમેશ પથિરાગેના
નામે રહ્યો હતો. જેણે 89.75 મિટરનો
થ્રો કર્યો હતો.