અમદાવાદ, તા. 1: (અમારા પ્રતિનિધિ તરફથી ) અમદાવાદ ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ તેની શતાબ્દીની
પણ ઉજવણી કરશે. 1930માં
કેનેડાના હેમિલ્ટનમાં યોજાયેલી પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ 2030માં અમદાવાદ ખાતે તેનાં 100 વર્ષ પૂર્ણ કરશે. આટલા મોટા આંતરરાષ્ટ્રીય આયોજન
માટે સરકાર અને અમદાવાદ શહેર પુરજોશથી તૈયારી કરી રહ્યું છે. ગ્લાસગો ખાતે હાલમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં
ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર
રહ્યા છે. ગ્લાસગોમાં રમતનાં સમાપન સમારંભમાં ગીત સંગીતની ઉજવણી સાથે સાથે કોમનવેલ્થ
ગેમ્સના 2030ના યજમાન તરીકે અમદાવાદનું સ્વાગત પણ કરશે.
આ ઉજવણી દરમિયાન હેન્ડ ઓવરની સેરેમની પણ થશે. ગ્લાસગો ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ
2026ના સમાપન સમારોહ દરમિયાન રવિવારે યજમાન બેટન
અને કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ ઔપચારિક રીતે અમદાવાદને સોંપવામાં આવશે. આ સાથે અમદાવાદની
2030ની ગેમ્સના યજમાનપદ તરફની સત્તાવાર યાત્રાનો
પ્રારંભ થશે. કોમનવેલ્થ સંગઠન આ બાબતે જણાવે છે કે, આ બેટન કોમનવેલ્થના તમામ 74 રાષ્ટ્રો અને પ્રદેશોમાંથી પસાર થાય છે. ગ્લાસગોમાં
યોજાનાર આ હેન્ડઓવર સેગમેન્ટ ત્રણ એક્ટમાં ભજવવામાં આવશે. પ્રથમ એક્ટ વંદે માતરમ્ના
150 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીનો હશે. જ્યારે એક્ટ
બીજો એ શાસ્ત્રીય ભારતીય જુગલબંદી હશે. સિતારવાદક રિષભ રિખીરામ શર્મા અને સ્કોટીશ પાઇપ
પ્લેયર રોસ એન્સલી વચ્ચે જુગલબંધી રચાશે. જે ગ્લાસગો 2026 ને અમદાવાદ 2030 સાથે જોડશે.જ્યારે છેલ્લા એક્ટમાં સમગ્ર ભારતની
યાત્રા દર્શાવવામાં આવશે. જેમાં ખાસ કરીને ગુજરાતની વાત હશે. ગ્લાસગો 2026ના ચીફ માર્કાટિંગ એન્ડ સેરેમનીઝ ઓફિસર લુઈસા
મેહોને જણાવ્યું હતું કે: આ હેન્ડઓવર એ કોઇ ઔપચારિકતા નથી. આ ઘટના એક જ સ્ટેજ પર બે
રાષ્ટ્રોની ભાવના વ્યક્ત કરશે.