• રવિવાર, 02 ઑગસ્ટ, 2026

કોટડા (ચ.)ના ખેડૂતના ખાતામાંથી રૂા.5.55 લાખ ઉપડયા

ભુજ, તા. 1 : તાલુકાના કોટડા આથમણા (ચકાર) ગામે રહેતા એક ખેડૂતના બેંક ખાતામાંથી તબક્કાવાર કુલ 5.55 લાખ ઉપાડી તેમજ સુથરીના શખ્સ સાથે પણ 1.49 લાખ તથા માંડવીના શખ્સના મોબાઇલ હેક કરી ક્રેડિટ કાર્ડ પરથી ફિલ્પકાર્ટથી મોબાઇલની ખરીદી કરી છેતરપિંડી કર્યાની ફરિયાદ  નોંધાઇ છે. પદ્ધર પોલીસ સ્ટેશનમાં કોટડા આથમણાના લક્ષ્મીનારાયણ મંદિર પાસે રહેતા અને ખેતીકામ કરતા 41 વર્ષીય રાહુલભાઇ કલ્યાણજીભાઇ માકાણી (પટેલ)એ નોંધાવેલી ફરિયાદ મુજબ તેનું બેંક ઓફ બરોડાની કોટડા આથમણા શાખામાં સેવિંગ્સ એકાઉન્ટ આવેલું છે. ગત તા. 13 જુલાઇના રાત્રે રાહુલભાઇ ઘરે મોબાઇલ જોઇ રહ્યા હતા, ત્યારે તેમના ફોન પર બેંક ખાતામાંથી 1,97,540 કપાઇ ગયાનો મેસેજ આવ્યો હતો. અચાનક નાણાં કપાઇ જતાં તેમણે એકાઉન્ટ બ્લોક કરાવવાની પ્રોસેસ શરૂ કરી હતી. તે દરમ્યાન જ રાત્રે 11-47 વાગ્યે બીજો મેસેજ આવ્યો, જેમાં રૂા. 1,86,677 કપાયા હોવાનું દર્શાવાયું હતું. 11-50 વાગ્યે ત્રીજો મેસેજ આવ્યો, જેમાં રૂા. 1,70,894 કપાયા હતા. આમ, રાત્રે 11-44થી 11-50 સુધીના માત્ર 6 મિનિટના સમયગાળામાં અલગ-અલગ કુલ રૂા. 5,55,111ની માતબર રકમ ઉપાડી લેવાઇ હતી. આ ઉપરાંત કોઠારામાં પીજીવીસીએલમાં નોકરી કરતા ઇબ્રાહીમ ઇસ્માઇલ સુમરા (રહે. સુથરી) સાથે ગત તા. 28-6થી 1-7 દરમ્યાન તેમની સાથે થયેલી છેતરપિંડી અંગે કોઠારા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમને વોટસએપ પર એક ગ્રુપમાં જોઇન કરી અને ટાસ્ક પૂરો કરશો તો નાણાં મળશે તેવી લાલચ આપી, વિશ્વાસમાં લઇ અલગ-અલગ યુ.પી.આઇ.માંથી નાણાં ટ્રાન્સફર કરાવ્યા બાદ અને ટાસ્ક પૂરો થયા બાદ ફરિયાદી નફાની રકમ ઉપાડવા જતાં પૈસા ફ્રીઝ થઇ ગયા હતા. જેને અનફ્રીઝ કરવા વધારે પૈસા ભરવા પડશે, તેવા બહાના બતાવી કુલ રૂા. 1,49,000 મેળવી લઇ ફરિયાદીને રૂપિયા પરત ન આપી વિશ્વાસઘાત અને ઠગાઇ કર્યાની ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ માંડવી પોલીસ મથકે, ખાનગી નોકરી કરતા રવિ હિંમતલાલ વાઘેલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ અજાણ્યા ઇસમે એમ-પરિવહનના નામની ભળતી એપીકે ફાઇલ બનાવી તેના વોટસએપ પર મોકલી ફરિયાદીનો મોબાઇલ હેક કરી ફરિયાદીના ક્રેડિટ કાર્ટ પરથી કુલ રૂા. 88,633નું ટ્રાન્ઝેકશન કરી ફલીપકાર્ટથી અન્ય આરોપી આકાશ ભલ્લા (રહે. ન્યૂ દિલ્હી)ના નામે મોબાઇલ ફોનની ડિલિવરી મેળવી ફરિયાદી સાથે ઠગાઇ કર્યાની ફરિયાદ નોંધાવી છે. 

Panchang

dd