• શુક્રવાર, 19 ડિસેમ્બર, 2025

ભારતનું લક્ષ્ય શ્રેણી વિજય, આફ્રિકાનું સરભર કરવી

અમદાવાદ, તા. 18 : પસંદગીને લઈને ઉઠેલા સવાલો અને કેટલીક નબળાઈ ઉજાગર થવા વચ્ચે ટીમ ઇન્ડિયા શુક્રવારે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર પાંચમી અને અંતિમ મેચમાં દક્ષિણ આફ્રિકાને હાર આપી ટી-20 શ્રેણી 3-1ની સરસાઈથી કબજે કરવા માગશે. આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી 0-2થી ગુમાવ્યા બાદ ભારતે શાનદાર વાપસી કરીને વન ડે શ્રેણી જીતી લીધી અને હવે ટી-20 શ્રેણીમાં 2-1ની અપરાજિત સરસાઈ મેળવી લીધી છે. ચોથી મેચ લખનઉમાં ગાઢ ધુમ્મસને લીધે રદ થઈ હતી. દ. આફ્રિકા પાસે શ્રેણી સરભર કરવાનો અમદાવાદમાં છેલ્લો મોકો છે. એડન માર્કરમની ટીમને ઓછી આંકી શકાય નહીં. તે પલટવાર કરવામાં માહેર છે. મેચ શુક્રવારે સાંજે 7-00 વાગ્યાથી શરૂ થશે. અમદાવાદની પીચ બેટધરોને અનુકૂળ માનવામાં આવે છે. આથી પ્રથમ બેટિંગ કરનાર ટીમ 200 આસપાસનો સ્કોર કરવા માગશે.  એ વાત નિશ્ચિત છે કે, ટીમ ઇન્ડિયા શ્રેણી હારશે નહીં. જે હેડ કોચ ગૌતમ ગંભીર માટે રાહતની વાત છે. ટીમના બે પ્રમુખ ખેલાડી કપ્તાન સૂર્યકુમાર અને ટેસ્ટ સુકાની શુભમન પાછલી કેટલાક મેચથી રન કરી રહ્યા નથી. સૂર્યકુમારનું કંગાળ ફોર્મ ટીમ ઇન્ડિયાની સૌથી મોટી ચિંતા છે. તેણે આ વર્ષે ટી-20ના 20 મેચની 18 ઇનિંગમાં એક પણ અર્ધસદી કરી નથી. આ દરમિયાન 14.20ની સરેરાશથી 213 રન કર્યા છે. ગિલ પણ ટી-20માં ચાલી રહ્યો નથી. જે વિશ્વ કપ અગાઉ ટીમ ઇન્ડિયા માટે ચિંતાનો વિષય છે. પાછલી મેચ અગાઉ અભ્યાસ દરમિયાન તે ઇજાગ્રસ્ત થયો હતો. આથી તેનું અંતિમ મેચમાં રમવું શંકાસ્પદ છે. આ સ્થિતિમાં ગિલના સ્થાને સંજુ સેમસનને તક મળી શકે છે. જેનો તે પૂરો ફાયદો ઉઠાવી પોતાની ઉપયોગિતા સાબિત કરવા માંગશે. અર્શદીપસિંહ અને હર્ષિત રાણા સારા ફોર્મમાં છે. આથી બુમરાહની વાપસી માટે કોનો ભોગ લેવાશે તે જોવું રસપ્રદ રહેશે.  જ્યાં સુધી દ. આફ્રિકાની વાત છે, તો તેની નજર ભારત પ્રવાસનો અંત જીત સાથે કરવા માગશે. પ્રવાસની શાનદાર શરૂઆત કરનાર દ. આફ્રિકી ટીમને શાનદાર અંત માટે શાનદાર દેખાવ કરવો પડશે. તેના કેટલાક યુવા ખેલાડી ડેવાલ્ડ બ્રેવિસ, રીઝ હેંડ્રિક્સ અને માર્કો યાનસને સારો દેખાવ કરવો પડશે. દ. આફ્રિકી કપ્તાન એડન માર્કરમ સારા ફોર્મમાં છે. તેણે કહ્યું છે કે, અમે વિશ્વ કપ અગાઉ ભારતમાં શ્રેણી ડ્રો કરવા માગીએ છીએ. જે અમારા માટે ઘણી સકારાત્મક વાત બની રહેશે. 

Panchang

dd