• શુક્રવાર, 26 જુલાઈ, 2024

મૂળ ભાવનગરના મહિલા જ્યારે કચ્છના શોક સંતપ્ત પરિવારની મદદે પહોંચી આવ્યા

ભુજ, તા. 20 : મૂળ અહીંના જમ્મુ-કાશ્મીર ફરવા ગયેલા નાગર પરિવારને શોક સંતપ્ત સ્થિતિમાં હૂંફ પૂરી પાડીને મૂળ ભાવનગરના અને ધંધાર્થે કાશ્મીર સ્થાયી થયેલા બેલાબેન દેસાઇએ બજાવેલી માનવતાની ફરજ આટલે દૂર પણ અણીના સમયે જાણે ઇશ્વર જ મદદ મોકલતો હોય છે તેવી પ્રતીતિ કરાવી ગઇ. અહીંના વિપુલ મહેશભાઇ અંતાણી તેમના ભાઇ તેમજ સમગ્ર પરિવાર સાથે કાશ્મીર ફરવા ગયા હતા. પહેલાં અમૃતસર સુવર્ણ મંદિરનાં દર્શન કરીને અટારી બોર્ડર ખાતે યોજાતી સેરેમની જોયા બાદ આ પરિવાર શ્રીનગર પહોંચ્યો હતો. ત્યાં શિકારાની સેર કરીને બીજા દિવસે સોનમર્ગ જવાનો હતો. સવારે સોનમર્ગ જતી વખતે ગંદબાલ પહોંચતાં જ વિપુલભાઇને સુગર ઘટવાની ફરિયાદ થતાં અડધા રસ્તેથી પરિવારને પરત ફરવું પડયું. સ્થાનિક હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર કરાઇ અને હોટેલ ઉપર આરામની સલાહ અપાઇ, ત્યાં તો બીજા દિવસે સવારે વિપુલભાઇ હૃદયરોગના તીવ્ર હુમલામાં દેહ છોડી ગયા. વતનથી દૂર કચ્છના આ નાગર પરિવારની શોક સંતપ્ત સ્થિતિ વચ્ચે મૂળ ભાવનગરના બેલાબેન દૂત બનીને પહોંચી આવ્યા. આમ તો સોશિયલ મીડિયાનાં માધ્યમથી વિપુલભાઇ તેમના સંપર્કમાં હતા. બેલાબેન હોસ્પિટલમાં ધસી આવીને ખડેપગે રહ્યા હતા. તેમની ભલામણથી ડેથ સર્ટિફિકેટ સહિતની વિધિ ઝડપથી પતાવી શકાઇ. સ્થાનિક તંત્રે અનેક તકલીફના કારણસર સ્થાનિકે જ અંતિમસંસ્કારની ભલામણ કરતાં શ્રીનગરની હોટેલના મેનેજર સહિતના સ્ટાફે તમામ વ્યવસ્થા ગોઠવી. સ્થાનિક મુસ્લિમ સ્ટાફ પણ મદદરૂપ થયો. પરિવારને પાછું ભુજ પહોંચવા ફ્લાઇટનો સમય અને અંતિમવિધિ વચ્ચે તાલમેલ કેમ બેસાડવો તે મોટી મૂંઝવણ હતી. પરિવારની આ મૂંઝવણ જોઇને 20થી 25 શીખ ભાઇ-બહેનો જે અન્યોની વિધિ માટે આવ્યા હતા તેમણે તેમની અરદાસવિધિથી વિપુલભાઇના દેહને પંચમહાભૂતમાં વિલીન કર્યો. બેલાબેનનું ત્યાં હોવું, શીખ પરિવાર દ્વારા અંતિમવિધિ ટાણે મદદરૂપ થવું વગેરે ઘટના આમ તો સામાન્ય માનવીય અભિગમ જણાય છે, પરંતુ એન્કર કંપનીમાં લાંબા સમયથી ફરજ બજાવતા વિપુલભાઇએ વર્ષ 2001ના ભીષણ ભૂકંપ વેળા કરેલાં સેવાકામોના પુણ્ય પણ જાણે આ રીતે કામ લાગ્યા. વિપુલભાઇ બહોળો મિત્રવર્ગ ધરાવતા અને લોકોને હંમેશ મદદરૂપ થતા. આ ઘટના માનવતાની સાથેસાથે સત્કર્મોના સિદ્ધાંતને પણ જાણે મજબૂત કરી ગઇ.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang