અમદાવાદ, તા. 17 : ગુજરાતના ન્યાયતંત્રમાં એક
મહત્વપૂર્ણ અને કડક પગલું લેવામાં આવ્યું છે. રાજ્યના કાયદા વિભાગે જાહેર હિતને ધ્યાનમાં
રાખીને 5 જજને તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત્ત કરવાનો
નિર્ણય લીધો છે. મોરબી જિલ્લાના 2, પોરબંદર, રાજકોટ અને મોડાસાના 1-1 એમ કુલ 5 જજને તાત્કાલિક ફરજિયાત નિવૃત્ત કરવામાં
આવ્યા છે. આ નિર્ણય રાજ્યપાલના આદેશ બાદ અને હાઈકોર્ટની ભલામણના આધારે લેવામાં આવ્યો
હોવાનું જાણવા મળી રહ્યું છે. નિવૃત્ત કરાયેલા જજોમાં મોરબીના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ
જજ પ્રથમેશ વી. શ્રીવાસ્તવ તથા ફેમિલી કોર્ટના પ્રિન્સિપલ જજ પ્રશાંત વી. જોષી, પોરબંદરના ફેમિલી કોર્ટના પ્રિન્સિપલ જજ મોહમ્મદ
ઈલિયાસ એફ.માંડલી, રાજકોટ (ધોરાજી)ના થર્ડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ
જજ અલીહુસેન એમ. શેખ અને મોડાસાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ કીર્તિકુમાર જે. દરજીનો સમાવેશ
થાય છે. આ પગલાને પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું
છે. પાંચ ન્યાયિક અધિકારીઓને પ્રિ-મેચ્યોર રિટાયર કરવામાં આવતા ન્યાયિક વર્તુળોમાં
ભારે ચર્ચા ઉઠી છે. હાઈકોર્ટ દ્વારા ઉપરોક્ત
પાંચેય ડિસ્ટ્રિક્ટ જજ કેડરના ન્યાયિક અધિકારીઓને તાત્કાલિક ફરજિયાત નિવૃત્ત કરવાની
ભલામણને આધારે રાજ્ય સરકારના જોઈન્ટ સેક્રેટરી એચ. એચ. વર્મા દ્વારા ગઈકાલે નોટિફિકેશન
બહાર પાડવામાં આવ્યું હતું.