• બુધવાર, 18 માર્ચ, 2026

કુકમામાં ભરાતા પંખીમેળાનો ગુંજતો કલરવ

કુકમા (તા. ભુજ), તા. 17 : અહીંના દંપતી મહેન્દ્રભાઇ ટાંક, તેમના પત્ની જ્યોતિબેન ટાંક છેલ્લા ચારેક વર્ષથી પંખીઓની સાર-સંભાળ લે છે. ચકલી માટેના નાના ઘર રાખવાથી થયેલી શરૂઆતે આજે `પંખીમેળો' સર્જ્યો છે. આ દંપતી પંખીઓ માટે ચણ, પીવા માટે પાણી નિયમિતરૂપે મૂકે છે. સવારે નિયત સમયે તેમના ઘરની સામે તાર પર પંખીઓની હારમાળા સર્જાય છે. સવારે તેમના ઘર પાસે પંખીઓના મીઠા કલરવથી વાતાવરણ જીવંત બની ઊઠે છે. એમને ત્યાં ચકલી, કબૂતર, કોયલ, ઘંટી ટાંકણો, હોલા, કાળો કોશી (ડ્રોંગો), દેવચકલી (રોબીન), કાબર, કાગડા જેવા અનેક પંખીઓ ચણવા આવે છે. તેમના કહેવા મુજબ અમુક નાના પંખી તેમને ત્યાં જાસૂદ, કણીયલ વગેરે ફૂલોના રસ માટે પણ આવે છે. પંખીઓને માત્ર ચણ અપાય છે એવું નથી, પણ ક્યારેક અમુક પંખીઓના માનીતા `ગાંઠિયા'ની મિજબાની પણ આપે છે.પંખીઓ મીઠો કલરવ કરી આ દંપતીનો જાણે આભાર વ્યક્ત કરતા હોય તેવાં દૃશ્ય જોવા મળે છે. આ દંપતીનો નાનો પ્રયાસ મોટી પ્રેરણા આપી જાય છે. ક્યારેક એક નાનું પણ સારું કાર્ય અન્યોના હૃદયમાં કરુણા-સંવેદનાનું બીજ વાવી શકે છે. બાકી જ્યાં દયા હોય ત્યાં પ્રકૃતિ પોતે આવી વસે છે. આ કાર્યમાં તેમના પુત્ર અને પુત્રવધૂ પણ પૂરો સહકાર આપે છે. પંખીઓ માટે તેઓ ફૂલ-ઝાડની પણ માવજત કરે છે. કુકમાના આ પરિવારનું કાર્ય પ્રકૃતિ પ્રત્યેના પ્રેમ અને સંવેદનાનો જીવંત સંદેશ છે. આપણાથી થતી દાણા-પાણીની નાની મદદ અનેક પક્ષીઓના જીવન બચાવનારી સાબિત થઇ શકે છે. (તસવીર/અહેવાલ : કલ્પેશ પરમાર)

Panchang

dd