ગાંધીધામ, તા. 17 : શહેરના એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને
સી.એ.નું કામ સોંપી વિશ્વાસમાં લઇ બાદમાં ફાયનાન્સના ધંધા માટે રૂા. 20 લાખની માંગ કરી રૂા. 16 લાખ મેળવી આ રકમ પરત ન આપતાં
બે શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. શહેરના 7-ડીમાં રહેતા અને સેક્ટર-8માં માધવ પેલેસમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
તરીકે કામ કરનાર હિતેન્દ્ર અશ્વિન ઠક્કરે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વર્ષ 2016માં કલ્પેશ મૂળજી ઠક્કર (રહે.
પાંજો ઘર ડીસી-પાંચ આદિપુર) તથા દર્શન બળવંત ઠક્કર (રહે. 3-બી, આદિપુર) નામના શખ્સો આ ફરિયાદી પાસે આવ્યા હતા અને સોમનાથ ફાયનાન્સ નામે પેઢી
બનાવવા, તેમાં ભાગીદાર બનાવી આપવા અને ફર્મની નોંધણી કરાવી આપી
સોમનાથ ફાયનાન્સનું ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની કામગીરી ફરિયાદીને આપી હતી. ફરિયાદીને
તેની ફી આપી બાદમાં તેમને સી.એ.નું કામ આપવામાં આવ્યું હતું. આમ ફરિયાદી સી.એ. સાથે
આ બંનેએ મિત્રતા કેળવી હતી. બાદમાં 2024માં કલ્પેશ ઠક્કર, દર્શન ઠક્કર ફરિયાદી પાસે આવી ફાયનાન્સ પેઢીના ધંધા માટે રૂા. 20 લાખ ઉછીના પૈસાની માંગ કરી
હતી. સી.એ.એ વિશ્વાસ કરીને કુલ રૂા. 16 લાખ વગર વ્યાજે આ બંનેને આપી દીધા હતા. બાદમાં ફરિયાદીએ આપેલી
રકમ પરત માગતાં આ બંને વાયદા કરતા હતા અને પછી ફરિયાદીને ઓફિસે આવી ધાકધમકી કરી પૈસા
આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ બંને વિરુદ્ધ પોલીસે વિશ્વાસઘાત, છતેરપિંડીની કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ
હાથ ધરી છે.