ભુજ, તા. 17 : વ્યાજખોરીના વિષચક્રમાં અનેક
ઘરો બરબાદ થઈ ચૂક્યાના દાખલા છે, ત્યારે
વધુ એક કિસ્સો નખત્રાણાના યુવાનનો સામે આવ્યો છે, જેમાં ખેતીની
જમીન લેવા નાણાં વ્યાજથી લીધા બાદ આ વ્યાજના વિષચક્રમાં સપડાઈને 34 લાખની સામે 4પ લાખ ચૂકવ્યા અને ફ્લેટ, ખેતીની જમીનના દસ્તાવેજો પણ કરાવી લઈ પઠાણી
ઉઘરાણી સાથે ધાકધમકી કરતા ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે. આ બનાવ અંગે આજે નખત્રાણા
પોલીસ મથકે નખત્રાણની શિવમ પાર્ક સોસાયટી ખાતે રહેતા 30 વર્ષીય યુવાન પ્રિતેશભાઈ ભીમજીભાઈ
પટેલ (હળપાણી)એ વિગતવાર સાથે નોંધાવેલી ફરિયાદ મુજબ વર્ષ - 2021ના મોટી ખોંભડીમાં જમીન ખરીદવા
અર્થે સોદા નક્કી કર્યા બાદ પરિવારની આર્થિક સમસ્યાના લીધે નાણાભીંસ આવતાં મોટા બાપુના
દીકરા તેના કૌટુંબિક સાળા ગૌતમ ભાદાણી સાથે મળાવ્યો હતો અને ગૌતમ તથા રોહિત સોનાઘેલાએ
આઠ લાખ રૂપિયા પાંચ ટકાના વ્યાજે ફરિયાદીના ફ્લેટ વિરલસિંહ ઘનશ્યામ જાડેજા પાસેથી કરાવી
આપ્યા હતા. આ 21 લાખના ફ્લેટનો દસ્તાવેજ વિરલસિંહે
પોતાના નામે કરાવી લીધો હતો. આ આઠ લાખ મેળવી આપવા બદલ પ0 હજાર ગૌતમ અને રોહિતે કમિશન પેટે લીધા હતા.
ફરિયાદીની ખેતીની જમીન પવનચક્કી આવી હતી અને તેનું વળતર ન મળતાં પોલીસમાં અરજી કરી
હતી. જમીનનો બીજો હપ્તો ચૂકવવાનો સમય આવી જતાં વિરલસિંહે કહ્યું કે, મને 21 લાખની જરૂરત છે. આથી તેણે સિક્યુરિટી પેટે રામપર (સરવા)ની સંયુક્ત
જમીનના દસ્તાવેજ અન્યના નામે કરાવી લીધા હતા. ફ્લેટ અને જમીનના દસ્તાવેજ કરાવ્યા બાદ
કહ્યું હતું કે, નાણાં મળતાં પરત કરશે.
29 લાખનું વ્યાજ 93 હજાર થતું હતું, જે ફરિયાદી ત્રણ વર્ષ સુધી નિયમિત ભરતો હતો.
આ બાદ વ્યાજ ચૂકવવામાં અનિયમિતતા થતાં વિરલસિંહે કહ્યું કે, મોટી
ખોંભડીની ત્રણ એકર જમીનના દસ્તાવેજ વજેસંગના નામના બનાવી આપ. તારી પાસેથી નીકળતા વ્યાજના
નવ લાખ તેની પાસેથી લઈ લઈશ. આથી આ જમીન આપી ક્લીયર થયા બાદ ફરી આર્થિક મુશ્કેલી સર્જાતાં
વ્યાજ ન ભરી શકતાં વિરલસિંહના માણસ રોહિત મને બળુભા ઉર્ફે બળવંતસિંહ તગજી સોઢા (રહે.
ખાનાય) પાસે લઈ ગયો હતો અને તેની પાસેથી 10 ટકા વ્યાજે ત્રણ લાખ લીધા હતા. બે માસ બાદ વ્યાજ સહિત તેને નાણાં
પરત આપી દીધાં હતાં. દરમ્યાન વિરલસિંહ પાસેની રકમનું વ્યાજ ન ચૂકવાતાં ઉઘરાણી, ધાકધમકીના પગલે ફરી 13 લાખ 10 ટકા લેખે બળુભા પાસેથી વ્યાજે
લીધા હતા. ત્રણ-ચાર મહિનાનું વ્યાજ ચડી જતાં બળુભાએ કહ્યું કે, તારી ખેતીની જમીન જે વિરલસિંહના નામે કરી છે
તે મારા નામે કરી આપ. વિરલસિંહના 21 અને મારા 13 એમ 34 લાખ હું આ જમીન સામે જમા કરાવી
લઈશ. આ બાદ આ જમીનનો પણ દસ્તાવેજ અન્યના નામે કરાવી લીધો હતો. ત્યારબાદ વ્યાજ ન ચૂકવાતાં
ધાકધમકી અને માથાકૂટ પણ કરી હતી. પ0થી 56 લાખવાળી બજાર
કિંમતની જમીન 34 લાખમાં પડાવી લીધી હતી. પોલીસે
વિરલસિંહ, બળુભા, ગૌતમ અને રોહિત
સામે વ્યાજખોરી, મારામારી અને ધાકધમકી સબબની કલમો તળે ગુનો દાખલ
કર્યો છે. નોંધનીય છે કે, બળુભા સામે આવી વ્યાજખોરી સબબના ગુના
અગાઉ પણ નખત્રાણા પોલીસ મથકમાં જ નોંધાઈ ચૂક્યા છે.