ભુજ, તા. 23 : અમદાવાદમાં સંગીતરસિયાઓને મંત્રમુગ્ધ
કરનારા પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ સોમવારે કચ્છની મુલાકાતે પહોંચ્યા હતા.
ભુજના એરપોર્ટ પર જ્યારે તેઓ ચાર્ટર પ્લેનથી પહોંચ્યા ત્યારે અતિકડક સુરક્ષા વ્યવસ્થા
ગોઠવાઈ હતી. ગાયકના કચ્છ પ્રવાસથી યુવા પ્રશંસકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
એરપોર્ટથી તેઓ વિશ્વવિખ્યાત ધોરડોના સફેદ રણ પહોંચ્યા હતા, જ્યાં તેમનું કચ્છી શાલથી સન્માન કરાયું હતું.
રણના આહ્લાદક નજારા વચ્ચે તેમણે સૌને ગુરુ
નાનક જયંતીની શુભેચ્છાઓ પાઠવી હતી. અહીંથી તેઓ ભુજના સ્મૃતિવન અને વૈશ્વિક ધરોહર એવા
ધોળાવીરાની મુલાકાત લેવા જશે. વિશ્વવિખ્યાત ધોરડોના સફેદ રણની અદભુત સુંદરતા,
શીતળતા અને નયનરમ્ય નજારાઓ નિહાળીને મંત્રમુગ્ધ થયો હતો. ત્યારબાદ તે
રણોત્સવના ટેન્ટ સિટી ખાતે પણ પહોંચ્યો હતો. અહીં તેમણે કચ્છી કલાકૃતિવાળા ટેન્ટનું
નિરીક્ષણ કર્યું હતું. ટેન્ટ સિટીમાં કરવામાં આવેલી વ્યવસ્થા અને પ્રવાસીઓ માટે ઊભી
કરાયેલી સુવિધાઓ નિહાળીને તેઓ અભિભૂત થયા હતા. આ સાથે દોસાંઝે કચ્છની મહેમાનગતિ અને
પ્રવાસન સુવિધાઓની પ્રશંસા પણ કરી હતી. સફેદ રણના નયનરમ્ય દૃશ્યોનો આનંદ માણવાની સાથે
તેમણે રણોત્સવની વ્યવસ્થાઓ પણ નિહાળી હતી. દિલજીતની આ મુલાકાતથી દેશ-દુનિયાના પર્યટકોને
આફરીન કરનારા કચ્છના પ્રવાસન સ્થળો, કચ્છની કલા, સંસ્કૃતિ અને મહેમાનગતિની પ્રશંસા ફરી ચર્ચામાં આવ્યા છે. પંજાબી સુપરસ્ટારની
આ યાદગાર કચ્છયાત્રાથી કચ્છના પ્રવાસનને વધુ વેગ આપશે તેવી પણ સ્થાનિકોએ લાગણી વ્યક્ત
કરી હતી.