• મંગળવાર, 24 નવેમ્બર, 2026

ગાંધીધામ સંકુલમાં 69 દિવસમાં 1353 લોકોને શ્વાન કરડયા

ગાંધીધામ, તા. 23 : ગાંધીધામ સંકુલમાં કુતરાઓનો આતંક વધી રહ્યો છે. મુખ્ય માર્ગો તથા શેરીઓ અને ગલીઓમાં લોકો તેમજ નાના બાળકો માટે કુતરા ઘાતક બની રહ્યા છે. 69 દિવસમાં 1353થી વધુ લોકોને કુતરા કરડયા છે. આ તમામ નવા કેસ નોંધાયેલા છે. સરકારી રામબાગ હોસ્પિટલમાં 2500થી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગાંધીધામ સંકુલમાં રખડતા ઢોરનો ત્રાસ અને કુતરાઓનો આતંક નાગરિકો માટે મુસીબત બની ગયો છે. રાજ્ય સરકાર દ્વારા કુતરાઓના ખસીકરણ માટેની પ્રક્રિયા કરવા મહાનગરપાલિકાને ગ્રાન્ટના સ્વરૂપમાં રૂપિયા પણ આપ્યા છે અને ડીસી પાંચમાં ડમ્પિંગ સાઈડની નજીક એનિમલ બર્થ કંટ્રોલ ફેસિલિટી સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે. તેમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી કૂતરાઓને પકડીને ત્યાં રસીકરણ તથા ખસીકરણ કરવામાં આવશે. અહીં ઓપરેશન રૂમ સહિતની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી રહી છે. આ સેન્ટર બને તો લોકોને કૂતરાઓના આતંકથી રાહત મળે તેવી સંભાવના છે. આ એનિમલ બર્થ કંટ્રોલ ફેસિલિટી સેન્ટરમાં 100 કુતરાને રાખીને સારવાર તેમજ રસીકરણ સહિતની કામગીરી થઈ શકશે. હાલના સમયે સેન્ટર બનાવવાનું કામ ચાલુ છે પરંતુ આ કામમાં ગતિ આવે તે જરૂરી છે. ગાંધીધામ સંકુલમાં સપ્ટેમ્બર મહિનામાં 518 તથા ઓક્ટોબર મહિનામાં 645 અને નવેમ્બર મહિનામાં દિવાળી પછી એટલે કે આઠ તારીખ સુધીમાં 190 સહિત કુલ 69 દિવસમાં 1353થી વધુ લોકોને સ્વાન કરડયા છે. આ માત્ર સરકારી હોસ્પિટલની સંખ્યા છે. અર્બન હેલ્થ સેન્ટર તેમજ અલગ-અલગ આરોગ્ય કેન્દ્ર તથા ખાનગી હોસ્પિટલોના કેસની સંખ્યા અલગ જ છે. ખાસ કરીને શેરી ગલીઓમાં રાત્રિના લોકોને પગપાળા અથવા તો દ્વિ-ચક્રીય વાહન લઈને પસાર થવું મુશ્કેલ થઈ જાય છે. કુતરાઓ પાછળ દોડે છે. લોકોને તેમજ વાહનચાલકોને કરડે છે. નગરપાલિકા વખતથી જ ઘણી ફરિયાદો છે.  મહાનગરપાલિકામાં ફરિયાદો વધતા તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરે એનિમલ બર્થ કંટ્રોલ ફેસિલિટી સેન્ટર બનાવવા માટેની કાર્યવાહી કરી હતી. તેમની બદલી બાદ કામગીરી ધીમી ગતિએ થઈ રહી છે. લોકો પરેશાન છે. વહીવટી તંત્ર દ્વારા કૂતરાઓના મામલામાં પગલા ભરે અને વહેલી તકે સેન્ટર બનાવવાની કામગીરી પૂર્ણ કરાય તેવી માંગ પણ ઊઠી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd