ભુજ, તા. 23 : રવિવારે રાત્રે વેકરિયાનાં
રણ પાસે આર્મીના જવાનોના ત્રણ પરિવારને નડેલા ગોઝારા અકસ્માતમાં ત્રણ બાળકો સહિત સાતનાં
મોત નીપજ્યાં હતાં. મૂળ ઉત્તરાખંડના ગઢવાલ ક્ષેત્રના કોટદ્વારમાં આજે ત્રિરંગામાં લપેટાયેલા
પાર્થિવ દેહો પહોંચતાં કરુણાંતિકા સર્જાઈ હતી. ગઢવાલ રાઈફલ્સમાં ભુજ ખાતે ફરજ બજાવતા
નાયક સૌરવ સિંહ નેગી, તેમનાં પત્ની
સવિતા અને તેમની ત્રણ મહિનાની પુત્રી શિવિકાના પાર્થિવ દેહને પદમપુર સુખરો સ્થિત ધ્રુવાપુરમાં
તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યા હતા. ત્યાં ગઢવાલ રાઈફલ્સના જવાનોએ તેમને સલામી આપી
હતી. જ્યારે પાર્થિવ દેહો વિસ્તારમાં પહોંચ્યા, ત્યારે ત્યાં
એકત્ર થયેલી ભીડની આંખો ભીની થઈ ગઈ હતી. દરમિયાન, નીતિન ગુસાઈની
પત્ની રિંકી ગુસાઈ (30) અને તેમની
ચાર વર્ષની પુત્રી વામિકાના મૃતદેહોને મોટાઢાકના શિવરાજપુરમાં વેલા તેમના નિવાસસ્થાને
લાવવામાં આવ્યા હતા. માતા અને પુત્રીના મૃતદેહો જોઈને પરિવારજનોના આક્રંદથી શોકનું
મોજું ફરી વળ્યું હતું. પરિવારજનોને રડતાં જોઈને ગામલોકોની આંખો પણ અશ્રુઓથી ભરાઈ આવી
હતી. આ અકસ્માતમાં ગઢવાલ રાઈફલ્સમાં ફરજ બજાવતા નાયક રાજેશ સિંહ રાવત (34) અને તેમની આઠ વર્ષની પુત્રી
રક્ષિતાનું પણ અવસાન થયું હતું. જ્યારે સેનાના
જવાનો તેમના પાર્થિવ દેહ લઈને સિમલચૌર સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચ્યા, ત્યારે ત્યાં આક્રંદ અને રૂદનનું વાતાવરણ છવાઈ
ગયું હતું. આ હૃદયદ્રાવક દુર્ઘટનાથી દરેક જણ સ્તબ્ધ થઈ ગયા હતા. ગઢવાલના મીડિયામાંથી
પ્રાપ્ત માહિતી અનુસાર, પરિવારજનો દ્વારા અંતિમ શ્રદ્ધાંજલિ આપવામાં
આવ્યા બાદ પાર્થિવ દેહોને સ્મશાનભૂમિ લઈ જવાયા હતા, જ્યાં સંપૂર્ણ
સૈન્ય સન્માન સાથે અંતિમસંસ્કાર થયા હતા.