• મંગળવાર, 24 નવેમ્બર, 2026

ગાંધીધામની ખાનગી હોસ્પિટલ સામે સારવારમાં બેદરકારીનો આરોપ

ગાંધીધામ, તા. 23 : અહીંની ખાનગી હોસ્પિટલમાં   સારવારમાં બેદરકારી દાખવાઈ હોવાથી યુવાનનું મોત નીપજ્યું હોવાના કથિત આક્ષેપ  સાથે હોસ્પિટલ સામે ભારે આક્રોશ વ્યક્ત કરાયો હતો. આ વેળાએ કંડલા કોમ્પ્લેક્સ મહેશ્વરી સમાજ દ્વારા  રેલી યોજીને આ બનાવમાં જવાબદારો સામે પગલાં લેવાની  ભારપૂર્વકની માંગ કરાઈ હતી. આ રેલી દરમ્યાન હોસ્પિટલ સામે ભારોભાર આક્રોશ વ્યક્ત કરાયો હતો. દરમ્યાન સ્ટર્લિંગ હોસ્પિટલ પ્રશાસને આ મામલે આગામી 48 કલાકમાં જવાબદારો સામે  કાર્યવાહી કરવાની લેખિતમાં ખાતરી આપી હતી. ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં રહેતા 25 વર્ષીય ભરત જેઠાભાઈ પાતારિયાને દાખલ કરાયા બાદ એન્જિયોગ્રાફી સહિતની સારવાર કરાઈ હતી અને તબિયત સારી હોવાનું કહીને આઈસીયુમાં  દાખલ કર્યા હતા. બાદમાં અચાનક હાલત ગંભીર હોવાનું કહીને  અમદાવાદ-રાજકોટ લઈ જાવ તેવું કહી દીધું હતું. બિલનું ચૂકવણું કરાયા બાદ પણ ડિસ્ચાર્જ કરવામાં બેથી ત્રણ કલાકનો સમય લગાડીને ધક્કા ખવડાવ્યા હતા અને હોસ્પિટલની બેદરકારીના કારણે દર્દીને રાજકોટ લઈ જવામાં  ભારે તકલીફ પડી  હોવાનું તેમજ   ઓક્સિજનનો બાટલો પણ ન હતો. હોસ્પિટલની કથિત બેદરકારીના કારણે સમાજના યુવાનનું મોત નીપજ્યું હોવાનું આવેદનપત્રમાં જણાવાયું છે. રાજકોટમાં આ યુવાને આંખો મીંચી દેતાં પરિવાર ઉપર આભ ફાટી પડવા જેવી સ્થિતિ થઈ હતી, જેથી મહેશ્વરી સમાજમાં ભારે આક્રોશ ભભૂકી ઊઠયો હતો.  આજે કંડલા કોમ્પ્લેક્સ મહેશ્વરી સમાજ દ્વારા હોસ્પિટલ સામે રેલી યોજી હતી અને સ્ટર્લિંગ હોસ્પિટલ બંધ કરોના નારા સાથે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. બાદમાં  હતભાગી યુવાનના પિતા અને  સમાજના આગેવાનો, હોસ્પિટલ મેનેજમેન્ટ, ટ્રસ્ટના આગેવાનો સાથે બેઠક થઈ હતી. હોસ્પિટલ પ્રશાસન  દ્વારા આગામી 48 કલાકમાં  આ મામલાની તપાસ કરી  જો સારવારમાં બેદરકારી જણાશે તો પગલાં લેવાની ખાતરી આપતો લેખિત પત્ર પાઠવાયો હતો.  કંડલા કોમ્પ્લેક્સ મહેશ્વરી સમાજના પ્રમુખ જીવરાજ ભાંભીએ  કહ્યું હતું કે, જો 48 કલાકમાં સંતોષજનક કામગીરી નહીં થાય તો આગળ પણ આ મુદ્દે આંદોલન ચલાવશું. આવો બનાવ બીજા કોઈ પરિવાર સાથે ન બને તે માટે લડત ચલાવાશે તેવું ઉમેર્યું હતું. રેલીમાં  મહામંત્રી પ્રહલાદ ઠોઠિયા,  જેઠાલાલ પાતારિયા, પ્રકાશ પાતારિયા, પુનશી દનીચા,  કરશન ઝાંઝિયા,  પ્રકાશ મારાજ,  વિનોદ દનીચા, લક્ષ્મણ ભરાડિયા, લછુ દાદા, ધર્મેન્દ્ર મહારાજ,  શ્યામ દાદા  વિગેરે જોડાયા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd