• મંગળવાર, 24 નવેમ્બર, 2026

કચ્છના બન્નીમાં કેન્યાથી ચિત્તા આવશે

અમદાવાદ, તા. 23 (અમારા પ્રતિનિધિ તરફથી) : આગામી ત્રણ મહિનામાં ગુજરાતના વન્યજીવ ઇતિહાસમાં મોટો વળાંક આવવા જઈ રહ્યો છે, કારણ કે રાજ્યમાં કેન્યાથી ચિત્તા અને મધ્યપ્રદેશથી એક વાઘણ લાવવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ મહત્ત્વપૂર્ણ વિગતો આપતાં જણાવ્યું કે ચિત્તા અને વાઘણના આગમન સાથે ગુજરાત દેશનું એકમાત્ર એવું રાજ્ય બનશે, જ્યાં સિંહ, દીપડા, વાઘ અને ચિત્તા એમ ચારેય પ્રકારના બિલાડી કૂળના પ્રાણીઓ જોવા મળશે. કચ્છના બન્ની વિસ્તારમાં કેન્યાથી એક નર ચિત્તો, એક માદા અને બે બચ્ચાંને વસાવવાનું આયોજન છે. આ ચિત્તાઓને સૌપ્રથમ ખાસ કાર્ગો ફ્લાઇટ મારફતે ભુજ પહોંચાડાશે અને ત્યારબાદ માર્ગ વાટે બન્ની ખાતે લઈ જવાશે. બન્નીના વિશાળ ઘાસિયા મેદાનો કેન્યાના સવાના જંગલો જેવી ભૌગોલિક રચના ધરાવે છે, જ્યાં ચિત્તાઓને ઝડપથી દોડવા અને શિકાર કરવા માટે અનુકૂળ ખુલ્લી જગ્યા મળે છે. આ જ કારણસર નિષ્ણાતોએ બન્નીને ચિત્તા માટે યોગ્ય સ્થળ ગણાવ્યું છે. અગાઉ મધ્યપ્રદેશના કુનોમાં નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી ચિત્તા લવાયા હતા, જ્યારે ગુજરાતમાં કેન્યાની અલગ પ્રજાતિના ચિત્તા આવશે. વર્ષ 1952માં દેશમાંથી ચિત્તા લુપ્ત થયા બાદ મધ્યપ્રદેશ પછી ગુજરાત બીજું રાજ્ય બનશે જ્યાં ચિત્તાનું પુન:વસન થશે. બન્ની ગ્રાસલેન્ડ ડિવિઝનના વન વિભાગે આ ચિત્તાઓ માટે લગભગ 500 હેક્ટરમાં ખાસ સુરક્ષિત એન્ક્લોઝર તૈયાર કર્યું છે, જેના ચારેય તરફ આશરે 10 કિલોમીટર લાંબી લોખંડની જાળીની વાડ ઊભી કરાઈ છે. બહારના હિંસક પ્રાણીઓનો પ્રવેશ અટકાવવા અને ચિત્તાઓને નવા માહોલમાં સહેલાઈથી ગોઠવાઈ જવામાં મદદ મળે તે હેતુથી આ વ્યવસ્થા કરાઈ છે. ચિત્તા આવ્યા બાદ શરૂઆતના એક મહિના સુધી તેમને ક્વોરેન્ટાઈનમાં રાખીને વન વિભાગની ટીમ દ્વારા ચોવીસ કલાક તેમની તબિયત અને હિલચાલ પર દેખરેખ રખાશે.  બીજી તરફ, પંચમહાલના રતનમહાલ જંગલ વિસ્તારમાં રહેતા નર વાઘને સાથી મળે તે માટે મધ્યપ્રદેશથી વાઘણ લાવવાની કવાયત પણ પૂર્ણતાના આરે છે. રાજ્ય સરકારની માગ બાદ નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટીની ટીમે સ્થળ નિરીક્ષણ કરીને વાઘણના સ્થળાંતરને લીલી ઝંડી આપી હતી. બન્નીના મેદાનની પણ એનસીટીએ ટીમે મુલાકાત લીધી હતી અને આગામી ત્રણ મહિનામાં વાઘણને લાવવાની તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd