• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

અંજાર પી.જી.વી.સી.એલ. સર્કલમાં કાયમી મુખ્ય ઈજનેર ન આપી અન્યાય

ગાંધીધામ, તા. 22 : રાજ્યમાં પી.જી.વી.સી.એલ.ના જુદા-જુદા  સર્કલોમાં સરકારી તિજોરી ભરવામાં અગ્ર હરોળ અંજાર સર્કલમાં અધિક મુખ્ય ઈજનેરની બદલી બાદ આ પદે મુખ્ય કાર્યપાલક ઈજનેરને હવાલો સોંપીને કચેરીના દરજ્જામાં ફેરફાર કરી અન્યાય કરાયો હોવાની લાગણી પ્રસરી છે સૌથી મોટા કચ્છ જિલ્લામાં વહીવટી સરળતા માટે જુદી-જુદી સરકારી કચેરીઓને પૂર્વ અને પશ્ચિમ કચ્છ એમ બે વિભાગમાં વિભાજિત  કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે પૂર્વ કચ્છની આર.ટી.ઓ. સહિતની જુદી-જુદી  કચેરીઓનું વિભાજન કરાયું હતું. દરમ્યાન   અંજાર, ગાંધીધામ અને ભચાઉ સબ ડિવિઝનને જોડીને અંજારમાં પૂર્વ કચ્છની પી.જી.વી.સી.એલ.ની સર્કલ કચેરી કાર્યરત કરાઈ હતી. પી.જી.વી.સી.એલ.નું અંજાર સર્કલ કાર્યરત થયા બાદ અહીં મુખ્ય કાર્યપાલક ઈજનેરની જગ્યા ઉપર લાંબા સમય સુધી ટકી શકે તેવા અધિકારીની નિમણૂક કરાઈ જ નથી. કચેરી શરૂ થઈ ત્યાર અત્યાર સુધીમાં વખતોવખત આ પદ ઉપર  ઈન્ચાર્જ અધિકારીની જ નિમણૂક કરવામાં આવી છે. ઈન્ચાર્જ અધિકારી હોવાના કારણે અનેક પ્રકારની મુશ્કેલી ઊભી  થતી હોવાની ફરિયાદો સમયાંતરે ઊઠી છે. તાજેતરમાં અંજાર સર્કલના એડિશનલ ચીફ ઈજનેર એ.એસ. ચૌધરીની ભાવનગર સર્કલ ખાતે બદલ કરવામાં આવી છે. આ નિમણૂક બાદ વધુ એક વખત  ખાલી પડેલા પદનો હવાલો સંભાળવા માટે ભુજના અધીક્ષક ઈજનેરને હવાલો અપાયો  છે. નોંધપાત્ર છે કે, ભૂતકાળના સમયમાં પણ  આ જ પ્રકારે ઈન્ચાર્જ પદે નિમણૂક આપીને કામગીરી ચલાવવામાં આવતી હતી તેમજ નિમણૂક પામેલા અધિકારી પણ  થોડા સમય માટે જ રહ્યા છે. જુનિયર આસિસ્ટન્ટ ઈજનેરની  ખાલી જગ્યાથી ઊભી થતી મુશ્કેલી વચ્ચે કાયમી મુખ્ય અધિકારીના અભાવે નીતિ વિષયક નિર્ણય લેવા, ગ્રાહકોને પોતાના પ્રશ્નોના ઉકેલ સહિતના મુદ્દે અનેક પ્રકારની સમસ્યા ઊભી  થતી હોવાની  રાવ ગ્રાહકોએ કરી હતી. નોંધપાત્ર છે કે,  પી.જી.વી.સી.એલ.ના  રાજ્યના જુદા-જુદા સર્કલ પૈકી અંજાર સર્કલ આવકની દૃષ્ટિએ મોખરે છે. જાણકારોના મત મુજબ આ સર્કલમાંથી અંદાજિત 246 કરોડ જેટલો નફો મળે છે, તેમ છતાં આ કચેરીને અપગ્રેડ કરવાની જગ્યાએ તેના દરજ્જામાં ઘટાડો કરાયો છે. કાયમી મુખ્ય અધિકારીના અભાવે આ વિસ્તારના ઉદ્યોગકારો અને વીજગ્રાહકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ઊર્જા વિભાગ અને તંત્ર દ્વારા આ સ્થળે કાયમી અધિકારીની નિમણૂક કરવામાં આવે તેવી સમયની માંગ છે. દરમ્યાન  પૂર્વ રાજ્યમંત્રી અને પૂર્વ ધારાસભ્ય વાસણભાઈ આહીરે જણાવ્યું હતું કે,  એડિશનલ ચીફ ઈજનેર પદના અધિકારીની બદલી બાદ આ જ કક્ષાના અધિકારીની જગ્યાએ એ.સી. કક્ષાના અધિકારીને ચાર્જ આપી આ કચેરીના દરજ્જામાં ઘટાડો કરી અન્યાય કરાયો છે. આ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઈ છે તેમજ પ્રાંત કચેરી અંજારમાં હોવા છતાં પોસ્ટ વિભાગની કચેરીને અંજારની જગ્યાએ ગાંધીધામમાં શરૂ કરી આ વિસ્તાર સાથે વધુ અન્યાય કરાયો હોવાની તેમણે લાગણી વ્યક્ત કરી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd