• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

અબડાસા-લખપતના વિકાસનો નવો અધ્યાય લખાઇ રહ્યો છે

ચંદ્રશી મહેશ્વરી દ્વારા : ભુજ,  તા. 22 : કચ્છમાં 70 ટકા ખેતી વરસાદ આધારિત છે, તેમાંય અબડાસા, લખપત તાલુકાનો મોટો ભાગ આવી જાય છે. ચોમાસાંમાં આ બંને તાલુકામાં વાદળો વહાલ ન વરસાવે તો ખેડૂતોની સાથે માલધારીઓ પાયમાલ થઈ જાય છે, તેમાં  આગામી ચોમાસાં પૂર્વે કચ્છના સૂકા મુલક સમાન અબડાસા, લખપત તાલુકામાં સિંચાઈ માટે નર્મદાના વધારાના નીર પહોંચશે અને ખેતી ક્ષેત્રે નવો અધ્યાય લખાશે. સત્તાવાર રીતે મળતી  માહિતી મુજબ ચોમાસાંમાં નર્મદાના વહી જતા 1 મિલિયન એકર ફૂટ પાણી કચ્છ માટે ફાળવાશે, આ માટે મુંદરાના ટપ્પરથી લખપતના ગોધાતડ સુધી 1405 કરોડના ખર્ચે પાઈપલાઈનનું કામ પૂર્ણ કરાશે. મુંદરા તાલુકાના ટપ્પર ડેમથી સરહદી લખપત તાલુકાના સાનધ્રો, ગોધાતડ સુધી સધર લિંક ફેઝ-2ની 129 કિ.મી. લાંબી પાઈપલાઈનું 74 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને ચોમાસાં પહેલાં આ કામગીરી પૂર્ણ કરી દેવાની દિશામાં કામનો ધમધમાટ ચાલી રહ્યો છે. - સીમાડો ચીરીને પાઇપો પડે છે : જમીનથી 15 ફૂટ નીચે પાઈપલાઈન નાખવામાં આવી છે. શરૂઆતમાં 2900   ર.9 મીટરના પાઈપ અને ત્યારબાદ 8 ફૂટ, 7 ફૂટ, 5 ફૂટના પાઈપ નખાય છે. ફીડર લાઈનમાં 1100, 700, 600, 300 એમએમના પાઈપ નાખવામાં આવી રહ્યા છે. આ સર્ધન લિંક પાઈપલાઈન મુંદરાના ટપ્પરથી શરૂ થઈને માંડવી તાલુકાના ચુનડી, દરશડી, ગોડાલખ, અબડાસાના સણોસરા, બાલાચોડ, બાલાપર, ભારાપર, કુવાપદ્ધર, ઉસ્તિયા, જંગડિયા, લખપત તાલુકાના મુરચબાણ, સાનધ્રો થઈને ગોધાતડ પહોંચશે. મુખ્ય લાઈનમાંથી ફીડર લાઈન અલગથી નખાશે. સિંચાઈ માટે નર્મદાના નીર પહોંચવાની સાથે  અનિયમિત અને અપૂરતા વરસાદવાળા અબડાસા, લખપત તાલુકાનો સૂકો મુલક નવપલ્લવિત થશે અને તાલુકાની વરસાદ આધારિત ખેતી ક્ષેત્રે સોનાનો સૂરજ ઊગશે અને પશુપાલનને વેગ મળશે. - સરહદી ગામોમાંથી સ્થળાંતર અટકશે : પાણી અને રોજગારીના અભાવે સરહદી ગામોમાંથી લોકોએ શહેરી વિસ્તારો તરફ દોટ મૂકી છે, ત્યારે સિંચાઈ માટે નર્મદાના નીર મળવાથી ખેતી વધુ સમૃદ્ધ થવાની સાથે લોકોને રોજગારી મળી રહેવા સરહદી ગામોમાંથી સ્થળાંતર અટકશે. - 10 સ્થળોએ સમ્પ : સધર્ન લિંક પાઈપલાઈનમાં ટપ્પર ઉપરાંત મુરચબાણ, દરશડી, મકડા, નરેડી, મોથાળા, ઉસ્તિયા, કોટડા (મઢ) અને મીંઢિયારીમાં સમ્પ બનાવાયા છે. - 44417 હેક્ટર જમીનમાં પિયત : સધર્ન લિંક પાઈપલાઈનથી અબડાસા, લખપત તાલુકાની 44417 હેક્ટરથી વધુ જમીનોને સિંચાઈનો લાભ મળશે. - પાવર પ્લાન્ટથી રોજગારી : નર્મદાના નીર ઉપરાંત લાખણિયા, સુજાપર, કરૈયામાં પાવર પ્લાન્ટના પગલે પંથકમાં રોજગારીની નવી તકો ઊભી થશે. - નિયમિત પાણી અપાય તો લાભદાયી : ભારાપર-પાટ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ કનુગર ગુસાઈએ જણાવ્યું હતું કે, ભારાપર નજીક આવેલા ડેમને નર્મદાના વધારાના નીરથી ભરાશે, તો ગામની 500 એકર જેટલી જમીનને સિંચાઈનો લાભ મળશે. ઉપરાંત અન્ય તળાવ ભાગોડો તળાવ પણ ભરવામાં આવશે, જેના થકી 300 એકર જેટલી જમીન પિયત થશે. જો કે, જો નિયમિત પાણી અપાય તો વધુ ખેડૂતોને લાભ મળી શકે છે. - નેત્રા, રસલિયા પહોંચશે : અબડાસા તાલુકાના ઉસ્તિયાના ખેડૂત અગ્રણી કનૈયાલાલ ભાનુશાલીએ જણાવ્યું હતું કે, આર્થિક રીતે સદ્ધર ખેડૂતો મોટો ખર્ચ કરી નખત્રાણા તાલુકાના નેત્રા, રસલિયાથી પાઈપલાઈન મારફતે પાણી લઈ આવે છે. ઉસ્તિયામાં વરસાદ આધારીત ખેતી અને ગામનો ડેમ નર્મદાના નીરથી ભરાઈ જવાથી ગામના તમામ ખેડૂતોને લાભ થશે અને વર્ષમાં બે પાક લઈ શકશે. - 200 ફૂટે લિગ્નાઈટ આવી જાય છે : લખપત તાલુકાની કોટડા-મુરચબાણ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અદ્રેમાન જુમા રાયમાએ જણાવ્યું હતું કે, આ પંથકમાં વરસાદ આધારિત ખેતી છે. તેમણે અને અન્ય ખેડૂતોએ બોર કરાવ્યા પણ 200 ફૂટે લિગ્નાઈટ આવી જવાની સાથે પાણી પણ મીઠું ન નીકળતા ખેતી થઈ શકતી નથી. મેઘરાજાની કૃપા વરસે અને જંગડિયા ડેમ ભરાઈ જાય તો કોટાડા, કંઢોરા, મુરચબાણની 400 એકર જમીનને પિયતનો લાભ મળે છે. ગોયલા, ડેડરાણી, જંગડિયા, મુરચબાણ સહિતના ડેમો ઓગની જાય તો ભયોભયો અને વર્ષમાં બે પાક લઈ શકાય. નર્મદાના નીર આવવાથી 5 હજારથી વધુ પશુધન, ખેતીને લાભ થશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd