હેમાંગ પટ્ટણી દ્વારા : ભુજ, તા. 22 : વર્ષ 2001ની 26 જાન્યુઆરીએ વિનાશકારી ભૂકંપની
થપાટનો સામનો કરનારાં કચ્છમાં આ કુદરતી આફત સમયે જે મોટી જાનહાનિ થઇ હતી તેમાં ઊંચાં
બહુમાળી બિલ્ડિંગને જવાબદાર ગણાવાયાં હતાં. ભૂકંપના 25 વર્ષ બાદ જર્જરિત ઇમારતો મોતનો
માંચડો બનીને ઝઝૂમી રહી છે ત્યારે નગરપાલિકા તંત્રે મહત્ત્વની કામગીરી હાથ ધરી શહેરની
50થી વધુ જર્જરિત ઇમારતોને તોડી પાડવાની નોટિસ
પાઠવી છે. સુધરાઇ પ્રશાસને વ્યાવસાયિક અને રહેણાક જર્જરિત મિલકતોની મોજણી કર્યા બાદ
આ જોખમી બિલ્ડિંગોને અલગ તારવ્યાં હતાં. - મોજણી કરાઇ, પ્લોટ અપાશે ? : દરમ્યાન, જો આ
ઇમારતો તોડી પાડવામાં આવશે તો ફ્લેટધારકોને પ્લોટ ફાળવાશે કે તેઓને પોતાનું ઘર બાંધવા
સહાય અપાશે કે નહીં ? આ સવાલો પણ ઊઠી રહ્યા છે. મુખ્ય અધિકારી
ટ્વિંકલબેન પટેલે માહિતી આપતાં જણાવ્યું કે, ભુજ સહિત કચ્છ એ
ભૂકંપના સૌથી જોખમી એવા ઝોન-5માં આવે છે. 2001ના ધરતીકંપ બાદ અનેક બિલ્ડિંગો જોખમી બનીને ઊભાં હોવાનું ધ્યાને
આવતાં નગરપાલિકા તંત્રે કલેકટરના આદેશ તળે સ્ટ્રકચરલ ઇન્જિનીયર સહિતને સાથે રાખી ખાસ
મોજણી હાથ ધરી હતી. - અત્યંત જોખમી
છે : આ મોજણી બાદ 50થી વધુ એવાં બિલ્ડિંગ નજરમાં આવ્યાં છે
કે, અત્યંત જર્જરિત હાલતમાં છે. આ તમામ બિલ્ડિંગધારકોને
નોટિસ પાઠવી નિશ્ચિત કરાયેલી સમય અવધિમાં બિલ્ડિંગનો સ્ટ્રકચરલ રિપોર્ટ રજૂ કરવા અથવા
તે સમારકામ હાથ ધરી સ્ટ્રકચરલ રિપોર્ટ આપવા જણાવી જો આ બે વસ્તુ કરવામાં બિલ્ડિંગધારક
નિષ્ફળ રહેશે તો તેને સ્વેચ્છાએ આ ઇમારત તોડી પાડવા તાકીદ કરાઇ છે. જો બિલ્ડિંગને સ્વેચ્છાએ
તોડી પાડવામાં નહીં આવે તો નગરપાલિકા પ્રશાસન આ બિલ્ડિંગને તોડી પાડશે અને સંબંધિત
બિલ્ડિંગધારકો સામે કાયદાકીય કાર્યવાહી કરાશે. - આંક ઊંચો જશે : મુખ્ય અધિકારીએ કહ્યું કે, હાલ નગરપાલિકાની ટીમ નોટિસ પાઠવવાની કામગીરી
કરી રહી છે. નોટિસ પાઠવવાની આ કામગીરી જારી રખાશે એ જોતાં નોટિસ અપાયેલ બિલ્ડિંગનો
આંક ઊંચો જઇ શકે છે. - પ્રથમ વખત : ભૂકંપના 25 વર્ષ બાદ સંભવિત આ પ્રકારની
મોટી કાર્યવાહી પ્રથમવાર કરાઇ રહી હોવાનું જાણકારો કહી રહ્યા છે. - માત્ર નોટિસ
પાઠવી સંતોષ ન માનતા : જાગૃત નાગરિકોએ
સૂચક ટકોર કરતાં કહ્યું કે, નગરપાલિકા
તંત્રે જર્જરિત બિલ્ડિંગને તોડી પાડવા માટેની કામગીરીનો વ્યાયામ આદર્યો છે ત્યારે નોટિસ
પાઠવી સંતોષ માની લેવાના બદલે સુધરાઇ તંત્રના જવાબદારો નક્કર કામગીરી કરી શહેરીજનોને
આ પેચીદી સમસ્યામાંથી મુક્તિ અપાવે તેવી લાગણી વ્યકત કરાઇ રહી છે.