ભુજ, તા.21 : તાલુકામાં વસતા બંગાળી પરિવારો
દ્વારા ભુજના ઓપન એર થિયેટરમાં 18 વર્ષથી પરંપરાગત
રીતે દુર્ગાપૂજા મહોત્સવ ઉજવાય છે. ભુજ બંગાળી એસોસિયેશન દ્વારા શહેરના બસ સ્ટેશન નજીક
આવેલા ઓપન એર થિયેટર ખાતે છઠ્ઠા નોરતે દુર્ગા માતાજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી
હતી. ત્યારબાદ સાતમા નોરતાથી 5 દિવસીય મહોત્સવનો
પ્રારંભ કરાયો હતો, જેમાં પ્રથમ
દિવસે સવારે પૂજા, પુષ્પાંજલિ, સાંજે આરતી,
રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ, આઠમના દિને સવારે
પૂજા, પુષ્પાંજલિ બાદ મહાપ્રસાદ અને સાંજે આરતી, સાંસ્કૃતિક કાર્યક્રમ, ત્યારબાદના દિવસોમાં સંધી પૂજા,
હવન આરતી, રાત્રે સાંસ્કૃતિ કાર્યક્રમ સહિતના આયોજનો
કરાયા હતા. મહોત્સવના અંતિમ દિવસે વિજયાદશમીએ સવારે માતાજીના પૂજન બાદ સિંદુર ખેલામાં
બંગાળી પરિવારની મહિલાઓએ એકબીજા પર સિંદુર લગાડીને આરોગ્યપ્રદ જીવન, સારા વર્ષની કામના કરી હતી. ત્યારબાદ
વાજતે-ગાજતે રૂદ્રમાતા ડેમમાં મૂર્તિનું વિસર્જન કરાયું હતું. ભુજ શહેર અને તાલુકામાં
400 જેટલા બંગાળી પરિવારો રહે છે, જેમાંથી મોટાભાગના લોકો સોના-ચાંદી કારીગરી
ક્ષેત્રે સંકળાયેલા છે અને અમુક લોકો ઔદ્યોગિક એકમોમાં ફરજ બજાવે છે. મહોત્સવમાં શહેર
તાલુકામાં વસ્તા બંગાળી પરિવારો બહોળી સંખ્યામાં જોડાયા હતા. ભુજ બંગાળી એસોસિયેશનના
કાર્યકરો, મોવડીઓ વગેરે મહોત્સવના આયોજનમાં સહભાગી બન્યા હતા.