હેમાંગ પટ્ટણી દ્વારા : ભુજ, તા. 20 : દિવાળીનાં પર્વ બાદ કચ્છમાં
પ્રવાસનની નવી સિઝનનો ધમધમાટ શરૂ થતો હોય છે. પ્રવાસનની નવી સિઝન શરૂ થવાના આડે હવે
ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે
પ્રવાસન સ્થળોમાં માળખાંકીય સુવિધાઓ વિકસાવવા માટે તંત્ર દ્વારા કમર કસવામાં આવી છે,
તો આગમી સમયમાં કચ્છમાં પ્રવાસનના વિકાસ માટે પણ કરોડો રૂપિયાના નવાં
કમોનાં આયોજનો ઘડાઈ રહ્યા છે. આ સુવિધા ઊભી કરવાનો મૂળ ઉદ્દેશ કચ્છ આવતા દેશ-વિદેશના
પ્રવાસીઓને અગવડતા વેઠવી ન પડે તે છે. - પ્રવાસન સમિતિ એક્શન મોડમાં : જિલ્લા આયોજન
અધિકારી જે.સી. રાવલના જણાવ્યાનુસાર કચ્છમાં પ્રવાસન સ્થળોના સુનિયોજિત વિકાસ માટે
પ્રવાસન સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. આ સમિતિની પ્રથમ બેઠકમાં નવાં વિકાસકામો હાથ
ધરવા માટે મંજૂરીની મહોર મારવામાં આવી હતી. આ બેઠકમાં વિશેષ રીતે 120 કરોડનાં કામને બહાલી આપી આખરી
મંજૂરી માટે ગાંધીનગર મોકલવામાં આવ્યાં હતાં. - ત્રણ ડુંગરના નવીનીકરણ માટે દસ કરોડ : પ્રવાસન સમિતિની
આ બેઠકમાં ઝારા ડુંગર, થાન જાગીર,
ધીણોધરના બ્યૂટિફિકેશન એટલે કે નવીનીકરણ માટે દસ કરોડનાં કામો હાથ ધરવા
નિર્ણય લેવાયો હતો. આ ત્રણેય ડુંગરના ઐતિહાસિક અને પ્રવાસનિ દૃષ્ટિના મહત્ત્વને ધ્યાને
રાખી બ્યૂટિફિકેશનનું આ કામ હાથ ધરાવાનું છે.
- પેટ્રોલપંપ, એટીએમની સવલત ઊભી થશે : કચ્છના વિવિધ પ્રવાસન સ્થળોમાં પેટ્રોલપંપ, એટીએમ જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સાથે
રોડ કનેક્ટિવિટીને મજબૂત કરવા માટે પણ નવાં કામો હાથ ધરવામાં આાવ્યાં છે. વિશ્વ વિરાસતનો
દરજ્જોઁ મેળવનાર ધોળાવીરા ઉપરાંત કચ્છને પ્રવાસનના વિશ્વ નકશામાં સ્થાન અપાવનાર ધોરડોમાં
પેટ્રોલપંપ, એટીએમ જેવી પાયાની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ખાસ
અગ્રતા આપવામાં આવી રહી છે. - મંજૂર થયેલાં કામો શરૂ કરવાને અગ્રતા : રાજ્ય સરકાર દ્વારા કચ્છમાં પ્રવાસન વિકાસને
ધ્યાને લઈ પ્રવાસન સ્થળોમાં વિકાસકામ હાથ ધરવા, રોડ જોડાણ મજબૂત કરવા માટે લગભગ પ00 કરોડના ભંડોળનાં કામને મંજૂરી આપવામાં આવી છે. કેટલાક કમોનાં
ખાતમુહૂર્ત પણ થઈ ગયાં છે. આ નવાં કામ તત્કાળ અસરથી શરૂ થાય તેને ખાસ અગ્રતા અપવામાં
આવી રહી છે.