• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

ગોપાલપુર રેલવે સ્ટેશન ક્રાઉડ મેનેજમેન્ટનું કેન્દ્ર બનશે

ઉદય અંતાણી દ્વારા : ગાંધીધામ, તા. 10 :  ગાંધીધામ રેલવે સ્ટેશન ખાતે  એન્જિન બદલવાની પ્રક્રિયાના કારણે પ્રત્યેક સમયે 20થી 25 મિનિટના  સમયને બચાવવા સહિતના કારણોથી  આદિપુર અને ગાંધીધામની વચ્ચે મીટરગેજના સમયમાં ધમધમતું અને ત્યારબાદ બાવળની ઝાડીઓથી ઘેરાયેલું ગોપાલપુર રેલવે સ્ટેશનનું નિર્માણ કરાયું છે.  આજથી નવમાં દિવસે જ અહીં  સેંકડો પ્રવાસીની અવરજવર ધમધમતી થઈ જશે, ત્યારે   રેલવે પ્રશાસન દ્વારા સ્ટેશન કાર્યરત કરવા માટે આખરી ઓપનો ધમધમાટ જારી કરાયો છે. ગાંધીધામથી આગળ કંડલા હોઈ  એન્જિનને રિવર્સ લેવું પડે છે. વડોદરામાં પણ  રતલામ તરફ જવા માટે  એન્જિનને  રિવર્સ લેવું પડતું હતું અને છાયાપુરી રેલવે સ્ટેશનનું નિર્માણ કરાયું તે જ તર્જ ઉપર રેલવે દ્વારા  ગાંધીધામ આદિપુરની વચ્ચે ગોપલપુર રેલવે સ્ટેશનનું નિર્માણ કરાયું છે.  માતબર રકમના ખર્ચે  સબ-વે સહિતની સુવિધાઓથી સજ્જ રેલવે સ્ટેશનને અસામાજિક તત્ત્વોએ નુકસાન પહોંચાડયું હતું તેમજ તોડફોડ પણ કરી હતી. આજે જ્યારે  ગોપાલપુર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી, ત્યારે સબ-વેમાં સમારકામ, લાઈટની કામગીરી,   એસી લગાડવા સહિતની કામગીરી નજરે પડી  હતી. નવા  માપદંડ સાથેનાં કચ્છનાં પ્રથમ રેલવે સ્ટેશન ખાતે એસી, નોન એસી વેઈટિંગ રૂમ, રિઝર્વેશન ઓફિસ, પાર્સલ ઓફિસ સહિતની સુવિધા ઊભી કરવામાં આવી છે. આગામી તા. 19મીથી ભુજથી ઉપડતી  બે દૈનિકએક ત્રિસાપ્તાહિક અને ચાર સાપ્તાહિક ટેનો ગોપાલપુર ખાતે થોભશે. વડોદરાના છાયાપુરી રેલવે સ્ટેશન અને વિશ્વામિત્રી રેલવે સ્ટેશનના કારણે વડોદરાના મુખ્ય રેલવે સ્ટેશન ખાતે  પ્રવાસીઓની ભીડનું વ્યવસ્થાપન સારી રીતે થઈ શકયું છેત્યારે  ગાંધીધામનાં બીજા રેલવે  સ્ટેશનનાં નિર્માણથી અહીં પણ આજ રીતે પ્રવાસીઓની ભીડનું વ્યવસ્થાપન સારી રીતે થઈ શકશે.  અહીં પાર્સલ બુકિંગની પણ સુવિધા વિકસાવવામાં આવશે  તેના કારણે જ તમામ ટ્રેનને 15 મિનિટનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. એક સમયે ભુજ-કંડલા વચ્ચે  લોકલ ટ્રેન ચાલુ હતી, ત્યારે પ્રવાસીઓની અવરજવરથી ધમધમતું હતું, પરંતુ ભુજ-ગાંધીધામ વચ્ચે બ્રોડગેજ લાઈન પથરાયા બાદ ગોપાલપુર ફ્લેગ સ્ટેશન બની ગયું હતું. છેલ્લાં કેટલાક વર્ષોથી તો સ્ટેશનની જૂની ઈમારત બવાળની ઝાડીઓથી ઢંકાઈ ગઈ હતી, હવે  26 વર્ષ બાદ અઠવાડિયા પછી ફરી આ સ્ટેશન પુન: પ્રવાસીઓની અવરજવરથી ધમધમતું થશે. - સુંદરપુરીથી ગોપાલપુર માર્ગની ખખડધજ હાલત : ગાંધીધામ, તા. 10 :  હાલના સમયમાં રેલવે ટ્રેક સમાંતર રોડની હાલત જોતાં  આદિપુરથી આવતા લોકોને પણ ટાગોર રોડ હેમાંગ પટેલ હોસ્પિટલથી અથવા રામબાગ રોડ સુંદરપુરી થઈને ગોપાલપુરી રેલવે સ્ટેશન પહોંચવું પડશે, ત્યારે આ માર્ગની હાલત પણ  ખખડધજ છે અને લાઈટો પણ નથી. મહાપાલિકાએ  ખાતરી આપી છે, પરંતુ  હજુ સુધી  કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી. સુંદરપુરી પાણીના ટાંકાથી રેલવે સ્ટેશન સુધી ક્યાંય લાઈટ પણ નથી. અંધારામાં બે ટ્રેન સુધી પહોંચવામાં પ્રવાસીઓને મુશ્કેલી ન પડે તે માટે ત્વરિત કાર્યવાહી  જરૂરી હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. - સાત પૈકી ચાર ટ્રેનનું આદિપુર સ્ટોપેજ નહીં : ગાંધીધામ, તા. 10 : આગામી 19મીથી ચાલુ થનારાં નવનિર્મિત ગોપાલપુર રેલવે સ્ટેશન  ખાતે ભુજથી  ઉપડતી  સાત ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવ્યું છે.  આ પૈકી સયાજીનગરી એક્સપ્રેસભુજ પુને અને ભુજ-શાલિમાર આદિપુર ખાતે થોભે છે. બાકીની  ભુજ-બાન્દ્રા બે સાપ્તાહિક, ભુજ અમદાવાદ નમો ભારત રેપિડ રેલ અને ભુજ-બાન્દ્રા એસી એક્સપ્રેસને આદિપુર ખાતે સ્ટોપજ નથીપરંતુ ગોપાલપુર આદિપુરથી નજીક હોવાના કારણે પ્રવાસીઓને સ્ટેશન પહોંચવામાં ગાંધીધામના પ્રમાણમાં સરળતા રહેશે. - રાજવી ફાટકથી સીજે શાહ પંપ સુધીના રોડનું પેચવર્ક જરૂરી : ગાંધીધામ, તા. 10 : આદિપુરના પ્રવાસીઓ સ્ટેશન પહોચવા માટે રેલવે ટ્રેક સમાંતર રોડનો ઉપયોગ કરશે. મહાપાલિકા  દ્વારા રિંગરોડ બનાવાશે તેને સમય લાગશે. ટ્રેન તો આવતાં અઠવાડિયાથી દોડશે, ત્યારે મસમોટા ખાડા ધરાવતા આ માર્ગનું ત્વરિત પેચવર્ક કરવું જરૂરી છે. સયાજીનગરી અને નમો ભારત ટ્રેનનો સમય એવો છે કે, રાત્રિના અને વહેલી સવારના  અંધારું હશે. આ સ્થિતિમાં  અકસ્માતની ભીતિ રહેશે તેમજ આ માર્ગ ઉપર લાઈટ પણ ન હોવાથી તે પણ તકલીફ પડશે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd