• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

રાપરમાં 15 દિવસમાં નીલગાયનાં 47 બચ્ચાંનું રેસ્ક્યુ

રાપર, તા. 10 :  પંથકમાં છેલ્લા પંદર દિવસ દરમિયાન 47 જેટલાં નીલગાયનાં નવજાત બચ્ચાંને રેસ્ક્યુ કરી પાંજરાપોળમાં પહોંચાડવાની અનોખી સેવા કરવામાં આવી છે.  જગુભા જાડેજા અને તેમની ટીમ દ્વારા  ઘાયલ તથા અસહાય હાલતમાં ગામ તરફ આવી ચડતાં નીલગાયનાં બચ્ચાંને સુરક્ષિત રીતે બચાવી પાંજરાપોળમાં પહોંચાડી તેમની સારવાર કરાવી જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હાલ નીલગાયનાં બચ્ચાંને જન્મ આપવાનો સમયગાળો ચાલી રહ્યો છે. સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન માદા નીલગાય વગડામાં જુવાર, બાજરી જેવા ઊંચા પાક કે ઘાસ વચ્ચે બચ્ચાંને જન્મ આપતી હોય છે. પરંતુ આ વર્ષે વરસાદના અભાવે અનેક વિસ્તારોમાં ઊભો પાક ન હોવાથી તેમજ વગડામાંથી મોટા પ્રમાણમાં ઝાડી-ઝાંખરા અને વૃક્ષોનું નિકંદન નીકળી જવાથી નવજાત બચ્ચાંને જન્મ આપવા માટે કુદરતી આશ્રયસ્થાન ઘટી ગયું છે.  આ પરિસ્થિતિમાં નવજાત બચ્ચાં કૂતરાં, શિયાળ સહિતના શિકારી પ્રાણીઓની ઝપટે ચડી જતાં ઘાયલ થઈ જાય છે અને જીવ બચાવવા ગામ તરફ આવી ચડે છે. આવા બનાવોની જાણ ગામવાસીઓ દ્વારા કરવામાં આવતા જગુભા જાડેજા અને તેમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચ્ચાંને રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે પાંજરાપોળમાં પહોંચાડે છે. આ ઉપરાંત ખેડૂતો દ્વારા પાકને જંગલી પ્રાણીઓથી બચાવવા લગાવવામાં આવતા ઝટકા મશીનોના કરંટથી પણ નીલગાયને અસર થતી હોવાના બનાવો સામે આવી રહ્યા છે. કરંટ લાગવાથી નીલગાય ભાન ભૂલીને પોતાના બચ્ચાંને ત્યાં જ મૂકીને જીવ બચાવવા દોડી જતી હોય છે. ત્યારબાદ માતાથી વિખૂટાં પડેલાં નવજાત બચ્ચાં કૂતરાં જેવા શિકારી પ્રાણીઓથી બચવા ગામ તરફ આવી ચડે છે. તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં છેલ્લા પંદર દિવસમાં 47 જેટલાં ઘાયલ નીલગાયનાં બચ્ચાંને રેસ્ક્યુ કરી પાંજરાપોળમાં સારવાર માટે પહોંચાડવામાં આવ્યા છે.  બચ્ચાંની ઉત્કૃષ્ટ સારસંભાળની વ્યવસ્થા બદલ રાપર પાંજરાપોળનો આભાર વ્યક્ત કર્યો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd