ચેન્નાઇ, તા.10 : દુલિપ ટ્રોફી-2026નો ખિતાબ ઇસ્ટ ઝોને કબજે કર્યો
છે. સાઉથ ઝોન અને ઇસ્ટ ઝોન વચ્ચેની ફાઇનલ મેચ આજે પાંચમા અને આખરી દિવસે ડ્રો રહી હતી.
આથી પહેલા દાવની સરસાઇના આધારે ઈસ્ટ ઝોનને દુલિપ ટ્રોફી ચેમ્પિયન ટીમ જાહેર કરવામાં
આવી હતી. ઇસ્ટ ઝોને 2012-13 સીઝન
પછી પહેલીવાર દુલિપ ટ્રોફી ખિતાબ જીત્યો છે. એકંદરે તેનો આ ત્રીજો ખિતાબ છે. દુલિપ
ટ્રોફીના સૌથી વધુ ખિતાબ વેસ્ટ ઝોનના નામે છે. તે 19 વખત ચેમ્પિયન બન્યું છે. ફાઇનલમાં ઇસ્ટ ઝોને પહેલા દાવમાં 708 રન ખડકયાં હતા. જવાબમાં સાઉથ
ઝોન ટીમના 336 રન બન્યા હતા. આથી ઇસ્ટ ઝોનને
372 રનની સરસાઇ મળી હતી. આ સરસાઇના
આધારે તે વિજેતા ટીમ જાહેર થઇ છે. ફાઇનલમાં 270 અને 80 રનની ઇનિંગ્સ
રમનાર ઇસ્ટ ઝોનનો કપ્તાન ઇશાન કિશન પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. જયારે સાઉથ ઝોનનો કપ્તાન
તિલક વર્મા પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર થયો હતો. તેણે કુલ 266 રન આ સીઝનમાં કર્યાં છે. ફાઇનલના
આજે આખરી દિવસે ઇસ્ટ ઝોને તેનો બીજો દાવ 7 વિકેટે 388 રને ડિકલેર
કર્યો હતો. આ પછી મેચ ડ્રો જાહેર કરી દેવામાં આવ્યો હતો. ઇસ્ટ ઝોન તરફથી આજે કુનૈન
કુરેશીએ સદી ફટકારીને 116 અને અનુકુલ
રોયે 64 રન કર્યા હતા.