વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક દિવસની ગુજરાત મુલાકાત એ વાતનો
સ્પષ્ટ સંકેત છે કે, જેન-ઝી આંદોલન,
રાહુલ ગાંધી સહિત વિરોધ પક્ષોના આક્રમક અપપ્રચાર છતાં સરકાર પોતાની કાર્યનીતિ
અને લાંબાગાળાના કાર્યક્રમોના નિર્ધારિત અમલની દિશામાં મક્કમતાથી આગળ ધપી રહી છે. શ્રી
મોદીએ વડોદરામાં 35 હજાર કરોડનાં
વિકાસકામોનાં ઉદ્ઘાટન-ખાતમુહૂર્ત કર્યાં. એ દરમ્યાન હજારો યુવાઓને સંબોધીને દેશની નીતિ, કાર્યક્રમો અને જનરેશન નેકસ્ટના ઉજ્જ્વળ ભાવિ
માટેના કાર્યક્રમોથી માહિતગાર કર્યા. ઉપરાંત વિરોધ પક્ષો પર પ્રહાર કર્યા. તેમણે રાહુલ
ગાંધીનો નામોલ્લેખ કર્યા વિના `છાત્રો કી ગુંજ' અભિયાન પર વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે, ગુજરાત અને
દેશનો યુવા `જૂઠ કી ગુંજ'થી ભ્રમિત નહીં થાય, બલ્કે
સત્યના રણટંકાર પર ચાલશે. તેમણે વિરોધ પક્ષની સરખામણી લગ્ન જેવા પ્રસંગોમાં નાની-નાની
વાતમાં ખામી ગોતતા વાંકદેખા ફુફાજી સાથે કરીને
ચીંટિયો ભર્યો છે. અહીં એ નોંધનીય છે કે, નરેન્દ્રભાઇ
ગુજરાતની ધરતીના સપૂત છે. મુખ્યમંત્રી પદે લાંબો કાર્યકાળ ભોગવીને વહીવટના પાઠ પાકા
કરીને દેશની ધુરા સંભાળવા નવી દિલ્હી ગયા છે. ગુજરાતની ધરતી, અહીંના લોકોનો અસીમ પ્રેમ તેમને નવો આત્મવિશ્વાસ પ્રદાન કરતો હોય એવી તેમની
શારીરિક ભાષા વર્તાતી હતી. નવી દિલ્હીના જંતરમંતર પરના જેન-ઝી આંદોલન પછી વડાપ્રધાન
યુવા ઉન્મુખ બન્યા છે. વડોદરા કાર્યક્રમ માટે પહેલીવાર ક્યુઆર કોડથી પ્રિ-રજિસ્ટ્રેશન
સિસ્ટમ રાખવામાં આવી અને હજારો યુવાઓ ઊમટી પડયા. `નમો ફોર વિકસિત ભારત' કાર્યક્રમનાં કેન્દ્રમાં યુવાનો જ હતા. તેમણે
કૃત્રિમ બુદ્ધિમત્તા (એઆઇ) ડેટા સેન્ટર, ઇલેક્ટ્રિક ઇકો સિસ્ટમ
અને સૌર ઊર્જા જેવા આધુનિક વિષયો પર વિસ્તારથી વાત કરી. રેલવે માર્ગ પરિયોજના સહિતનાં
કામોનો ઉલ્લેખ કરતાં શ્રી મોદીએ કહ્યું કે, ડેડિકેટેડ ફ્રેઇટ
કોરિડોર દેશમાં છેલ્લા 12 વર્ષમાં બદલાયેલી
કાર્યસંસ્કૃતિનું પ્રમાણ છે, તેનાથી
દેશના વેપાર-ઉદ્યોગ જગતથી લઇને ખેડૂતોને પણ
જબ્બર ફાયદો થશે. ભારત ચિપથી લઇને શિપ (જહાજ) સુધીનાં નિર્માણની ગાથા આલેખી
રહ્યું છે, એવા તેમના વિધાનમાં આત્મનિર્ભર ભારતનો રણકો સંભળાય
છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીનાં મેદાનમાં આયોજિત જેન-ઝી સાથેના સંવાદ કાર્યક્રમમાં
મોદી વાય અક્ષર જેવા રેમ્પ પર ચાલીને યુવાનો વચ્ચે પહોંચ્યા હતા. એ સમયે `વી વિલ રોક યુ' અને ધુરંધરનાં ગીત `આરી....આરી'એ અનોખો માહોલ રચ્યો હતો. બદલાતી દુનિયાનો હવાલો
આપીને મોદીએ યુવા પેઢીને ટેકનોલોજી અને ખાસ
તો એઆઇમાં પારંગત બનવાની સલાહ આપી છે. તેમનું કહેવું સાચું છે કે, એઆઇ શીખવવાની જરૂરત ફક્ત આઇ.ટી. ક્ષેત્રમાં જ હોય એવું નથી. ખેતી, આરોગ્ય, મેન્યુફેક્ચરિંગ, એડિટિંગ,
લેખન અને બધા માટે ઉપયોગી છે. વડાપ્રધાને ગુજરાત ઉપરાંત મુંબઇમાં ગ્લોબલ
ફિનટેક ફેસ્ટ ખાતે આયોજિત વૈશ્વિક સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. જાપાનની એક રેટિંગ એજન્સીએ
ભારતીય અર્થતંત્રનું સોવરેન રેટિંગ `એ' કક્ષામાં અપગ્રેડ
કર્યું તેના ઉલ્લેખ સાથે વડાપ્રધાને કહ્યું કે, ભારતની પ્રગતિ
દુનિયાને નવા વિશ્વાસનું સિંચન કરી રહી છે. થોડા મહિનાઓમાં ઉત્તરપ્રદેશ, પંજાબ જેવાં રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. ગુજરાતમાંય એક વર્ષ માંડ
બાકી છે, ત્યારે મોદી વ્યૂહાત્મક રીતે જનતાનો ભરોસો અકબંધ રાખવા
પ્રયત્નશીલ છે. એ જ રીતે જેન-ઝીને પાંખમાં લેવાનોય હેતુ છે. લોકોનો એવો વિશ્વાસ પ્રસ્થાપિત
કરવા માગે છે કે, વૈશ્વિક અસ્થિરતાના દોરમાં દેશનું નેતૃત્વ મજબૂત
હાથોમાં સુરક્ષિત છે.