બાબુ માતંગ દ્વારા : નિરોણા (પાવપટ્ટી), તા. 10 : કચ્છમાં માલધારી
મુલક બન્ની પંથકમાં નહિવત વરસાદના પગલે ઘાસચારાની અછત દિવસા દિવસ વિકટ બની રહી છે.
તેવાં જ સમયે પશ્ચિમ કચ્છના લખપત, અબડાસા
અને ગરડા પંથકમાંથી મોટી સંખ્યામાં પશુઓ સાથે માલધારીઓ પશ્ચિમ બન્નીમાં ઉતરી પડયા પછી
ઘાસચારા ખૂટવા લાગતાં પંથકના લોકો કહે છે વહેલી તકે રાજ્ય સરકાર અછત જાહેર કરે તો ઠીક
અન્યથા હિજરત કર્યા સિવાય કોઈ આરો નથી. અષાઢ માસના અંતમાં પાવરપટ્ટી સાથે સંકળાયેલા
પશ્ચિમ બન્નીમાં દોઢ-બે ઈંચ વરસાદ પડયાં પછી ઘાસ ફૂટી નીકળતાં માલધારીઓના મને ટાઢક
વળી હતી. શ્રાવણ માસમાં વધુ વરસાદ બાદ બન્ની પોતાની નીલી પ્રકૃતિમાં નિખરશે તેવી આશા
સાથે માલધારી માડુ આકાશ ભણી મીટ માંડી બેઠાં હતાં પરંતુ શ્રાવણ માસ લગભગ પૂરો થવા છતાં
મેઘરાજા મહેરબાન ન થતાં પંથકના પશુપાલકોના ચહેરા પર ચિંતાની લકીર ખેંચાવા લાગી છે.
બીજી બાજુ પશ્ચિમ કચ્છના લખપત, અબડાસા અને ગરડા પંથકમાં સમગ્ર
ચોમાસાં દરમ્યાન વરસાદના અભાવે એ વિસ્તારમાં પણ ઘાસચારાની તીવ્ર તંગી સર્જાયાં પછી
છેલ્લાં કેટલાંક સમયથી એ પંથકના અનેક પરિવારો પોતાના હજારો પશુઓ સાથે હિજરત કરી પશ્ચિમ
બન્નીના હાજીપીર, લુણા, ભગાડિયા,
બુરકલ સહિતના ઘાસિયાં મેદાનોમાં ઉતરી પડયાં છે. જેને લઈ બન્નીમાં રહ્યું-સહ્યું
ઘાસ પણ હવે સફાચટ્ટ થવા લાગ્યું છે. તેવા સંજોગોમાં બન્નીમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ
સર્જાઈ રહી છે. સામાન્ય રીતે અષાઢ-શ્રાવણ માસ બાદ મેઘકૃપાને પગલે બન્ની હરિયાળી પ્રકૃતિ
સોળે કળાએ ખીલી લીલી છમ બનતી હોય છે પરંતુ હાલ એ બન્નીની પરિસ્થિતિ કંઈક જુદી જ છે.
બન્નીમાં ઘાસચારાની અછતના પગલે ઊભી થયેલી પરિસ્થિતિ બાદ ભગાડિયા આસપાસ લીલાછમ રહેતાં
ઘાસના મેદાનો સૂકા ભઠ્ઠ બન્યાં હતાં. એ મેદાનોમાં ચરિયાણ માટે વિચરતી લાખેણી કુંઢી
ભેંસોની ગેરહાજરીથી મેદાનો વધુ વેરાન ભાસી રહ્યાં હતા. પંથકના અનેક છીંછરા પાણીના જળાશયો
ઢંઢ તરીકે ઓળખાય છે તે પણ ખાલીખમ નજરે ચડયાં હતાં. ઢંઢની આસપાસ નજીવા વરસાદને લઈ ઉગેલો
ઘાસ પાણી બાલ્યાવસ્થામાં સૂકાઈ ગયેલું જોવા મળે છે. ઢંઢના ચારે કિનારો ભેંસ,
ઊંટ અને જીણાં માલ વિહોણો સુમસામ છે. ભગાડિયા નજીક ઘાટા ગાંડાબાવળોની
ઓથ તળે બેઠેલાં ગાયો, ભેંસોના મોટા ટોળાં વચ્ચે હતાશ ચહેરે ઊભેલાં
ઝાલુ ગામના ઈશાક અમીરખાન જતે જણાવ્યું હતું કે, પંદરેક દિવસોથી
ઘરબાર છોડી પડોશના બન્નીના આશરે ચારેક હજાર માલ લઈ આવ્યાં તો છીએ પણ, અહીં ખાસ ખૂટવા લાગ્યું છે. પશુઓના પીવા માટે પાણીની પણ ભારે તંગી ઊભી થઈ છે.
એકાદ અઠવાડિયું રાહ જોઈએ છીએ જો વરસાદ ન પડે તો અમો વાગડની વાટે ગુજરાત તરફ મુંગા પશુઓ
સાથે હિજરત કરવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી છે. ભગાડિયાથી પશ્ચિમે બુરકલ, છસલા, લુણા અને છેક હાજીપીર સુધી પશ્ચિમ કચ્છના લખપત,
રાવરાસર, મુરચબાણ, કલરાવાંઢ,
ચામરા સહિતના વિસ્તારોમાંથી પણ અનેક પરિવારો મોટાભાગે ગૌધન સાથે હિજરત
કરી પડાવ નાખેલાં જોવાં મળ્યાં હતાં. ઘાસ, કંતાન અને તાલપત્રીનાં
ઊભાં કરાયેલાં ઝૂંપડાંમાં નાના બાળકો સાથે અહીં ઘાસચારાના આશરે પહોંચેલાં પરિવારો ભારે
પરેશાન જોવા મળ્યાં હતાં. રાવરાસરના મામદ અલી જત કહ્યું કે, છેલ્લાં
દશેક દિવસોથી અમે પશુઓને લઈ બન્નીના સહારે આવ્યાં તો ખરા પણ અહીં પશુઓની સંખ્યાં મોટી
છે. તેમાં અમારા વિસ્તારના ચારેક હજાર પશુઓ ભેગાં થતાં અહીં ઘાસ હવે ખતમ થવાની અણી
પર છે. પીવા માટે પાણી પણ સ્થાનિકના પશુઓ માટે માંડ પૂરું થાય છે તેમાં વધારાનો માલ
આવતાં પાણીની સમસ્યા પણ વિકટ બની છે. ત્યારે વહેલાંમાં વહેલી તકે રાજ્ય સરકાર અમારી
વ્હારે ચડે તો જ અમારો પશુધન બચી શકે તેમ છે. સામાજિક અગ્રણી અને બન્ની પશુ ઉછેરક માલધારી
સંગઠનના અમીનભાઈ જતે જણાવ્યું હતું કે, છેલ્લાં એકાદ અઠવાડિયાથી
ઘાસની તંગી વધુ ઘેરી બની છે. પૈસા આપતા પણ હવે લીલો-સૂકો ઘાસ મળતો નથી. સીમ પણ ખાલીખમ
છે. રાત-દિવસ મૂંગા પશુઓ ઘરઆંગણે ઊભો છે. તેવાં સંજોગોમાં પશુઓ ભૂખમરાનો ભોગ બને તેવી
પરિસ્થિતિ નિર્માણ થઈ છે. આગામી દિવસો બન્નીનાં માલધારીઓ માટે ભારે કપરા બની શકે છે.
જેને લઈ મૂંગા પશુઓ માટે ઘાસની વહેલાંમાં વહેલી સગવડ ઊભી થાય તે અતિ જરૂરી બન્યું છે. - ભૂખમરા વચ્ચે
ભેંસો ડંખના ડંશથી પરેશાન : નિરોણા :
બન્નીમાં વરસાદના અભાવે ઘાસચારાની તંગી ઊભી થતાં મોટાભાગની ભેંસો ઘાસનાં મેદાનોમાં
જવાને બદલે રહેણાક આસપાસ લીલા-સૂકા ગાંડા બાવળોની ઝાડીની પડી જોવા મળે છે. નહીં ચોમાસું
કે નહીં શિયાળા જેવી મોસમ વચ્ચે બન્નીમાં ડંખ નામક જીવાંત ભૂખમરા વચ્ચે ભેંસોને ભારે
પરેશાન કરી રહી છે. માલધારીઓના કહેવા પ્રમાણે ડંખ એક પ્રકારની ડંખીલી માખી છે. જે પોતાના
ડંખથી ભેંસના શરીરમાંથી લોહી ચૂસે છે. ડંખની અસહ્ય પીડાથી ભેંસ હંમેશાં બેચેન રહે છે.
આ જીવાંતના ઉપદ્રવને નાથવા માલધારીઓ ભેંસોના પડાવની આસપાસ લીલા સૂંકા છાણા અને ઘાસના
કેટલાં ઢગલાંને સળગાવી ધુમાડો રાત-દિવસ ચાલુ રાખે છે. ધુમાડાને લીધે માખી ભાગી જતાં
ભેંસો આરામથી બેસી શકે છે, તેવું માલધારીઓ
જણાવે છે.